સદર બઝારમા બેકરીમાં આગ ભભૂકી : આશરે 7 લાખનું નુકશાન
વહેલી સવારે દુકાનમાં શોર્ટ સર્કિટ થતાં આગ ભભૂકી : દોઢ કલાકે ફાયરની ટીમે આગ પર કાબૂ મેળવ્યો
શહેરના સદર બજાર મેઇન રોડ પર આવેલી બેકરીના રો-મટીરીયલની દુકાનમાં ગઈકાલ વહેલી સવારના આગ ભભૂકી ઉઠી હતી. બનાવની જાણ થતા ફાયર બ્રિગેડનો સ્ટાફ તાકીદે ઘટના સ્થળે દોડી ગયો હતો.અને દોઢ કલાક સુધી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. આગની આ ઘટનામાં દુકાનમાં રહેલો રો-મટીરીયલ્સ સહિતનો સામાન સળગી જતા અંદાજિત સાત લાખનું નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે આગ શોર્ટ સર્કિટના લીધે લાગ્યાનું સામે આવ્યું છે.
વિગત મુજબ સવારના ૫:૧૫ વાગ્યે ફાયર બ્રિગેડને કોલ મળ્યો હતો કે, સદર બજાર મેઇન રોડ પર આવેલ બેકર્સ બજાર નામની દુકાનમાં આગ લાગી છે. બનાવના પગલે ફાયર બ્રિગેડનો સ્ટાફ તાકીદે ફાયર ફાઇટર સાથે અહીં પહોંચી ગયો હતો અને પાણીનો મારો ચલાવી અંદાજિત દોઢ કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.આગની આ ઘટનાને લઈ પીજીવીસીએલની ટીમ પણ દોડી આવી હતી.ફાયરના સ્ટાફે આજુબાજુ આવેલી દુકાનમાં આગ પ્રસરતા અટકાવી હતી. આગની આ ઘટના અંગે વધુમાં જાણવા મળતી વિગતો મુજબ, અહીં બેકરીનું રો-મટીરીયલ્સ રાખવામાં આવતું હોય તેમજ પ્લાસ્ટિકનો સામાન સહિતની વસ્તુઓ અહીં હોય આગની આ ઘટનામાં તમામ સામાન સળગી જતા અંદાજિત સાતેક લાખનું નુકસાન થયું હોવાનું દુકાન માલિક નૈસેદ કારીયાણીએ જણાવ્યું હતું. શોર્ટ સર્કિટના લીધે આગ લાગી હોવાનું માલુમ પડું છે. વહેલી સવારે આગ લાગી હોવાથી કોઈ દુકાને હાજર ન હોય જેથી કોઈ જાનહાની થવા પામી ન હતી.
