કેન્દ્ર સરકારે મગફળીના ટેકાના ભાવમાં વધારો કરવા છતાં ટેકાના ભાવે હજુ સુધી મગફળીની ખરીદી શરૂ થઇ ન હોય હાલમાં નવી મગફળીનું ખેડુતો નીચા ભાવે વેચાણ કરી રહ્યા છે ત્યારે ગુજરાત રાજ્ય ખાદ્યતેલ અને તેલીબિયાં સંગઠન પ્રમુખ સમીર શાહેરાજ્યના કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલને ખેડૂતોને ભવાંતર યોજનાનો લાભ આપવા રજુઆત કરી છે, સાથે જ કેન્દ્ર સરકારે પણ રાજ્ય સરકાર ઈચ્છે તો ભવાંતર યોજનાનો લાભ આપી શકતી હોવાનું કેન્દ્રીય કૃષિમંત્રીએ જણાવ્યું હોવાનું પણ યાદ અપાવ્યું હતું.
ગુજરાત રાજ્ય ખાદ્યતેલ અને તેલીબિયાં સંગઠન પ્રમુખ સમીર શાહે રાજ્યના કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલને રજુઆત કરતા જણાવ્યું છે કે, કેન્દ્ર સરકારે મગફળીના ટેકાના ભાવમાં ખાસો એવો વધારો કરતા ચાલુ વર્ષમાં ખેડૂતોએ મોટાપાયે મગફળીનું વાવેતર કર્યું છે પરંતુ મગફળી બજારમાં આવી જવા છતાં હજુ સુધી ટેકાના ભાવે ખરીદી શરૂ થઇ ન હોય ખેડૂતો નીચા ભાવે મગફળી વેચવા મજબુર બન્યા હોવાનું રજુઆતમાં જણાવી ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળી વેચાણ લેવાને બદલે ભવાંતર યોજનાનો લાભ આપવા માંગ કરી છે.
વધુમાં સમીરભાઈ શાહે રજુઆતમાં જણાવ્યું છે કે, સાંસદ પરસોતમભાઇ રૂપાલા મારફતે કેન્દ્રીય કૃષિમંત્રીને ભવાંતર યોજના અંગે રજુઆત કરતા કેન્દ્રીય કૃષિમંત્રીએ રાજ્ય સરકાર ખેડૂતોને ભવાંતર યોજનાનો લાભ આપી શકતી હોવાનું અને કેન્દ્ર આ યોજના માટે 25 ટકા હિસ્સો આપતી હોવાનું જણાવ્યું છે ત્યારે ગુજરાત રાજ્ય ખાદ્યતેલ અને તેલીબિયાં સંગઠન પ્રમુખ સમીર શાહે ખેડૂતોના હિતની સાથે તેલમિલરોના હિતમાં ભવાંતર યોજના લાગુ કરી ખેડૂતોને નીચાભાવે મગફળી વેંચતા બચાવી તાકીદે ભાવફેર યોજનાનો લાભ આપવા અંતમાં માંગ કરી હતી.