ગણપતિ બાપાની ધરપકડ? ખોટી માહિતી ફેલાવવા બદલ કેન્દ્રીય મંત્રી સામે ફરિયાદ
કર્ણાટકના માંડ્યા જિલ્લામાં થયેલા તોફાન બાદ કેન્દ્રીય મંત્રીએ અત્યંત ભડકામણું ટ્વિટ કર્યું હતું
કર્ણાટકના માંડ્યા જિલ્લામાં ગણેશ વિસર્જન સમયે બે સમુદાયો વચ્ચે તોફાન ફાટી નીકળ્યા બાદ તે ઘટના અંગે સોશિયલ મીડિયા પર ખોટી માહિતી અને ભડકામણા નિવેદન આપવા બદલ કર્ણાટક પોલીસે કેન્દ્રીય મંત્રી શોભા કરાંદલજે સામે ગુનો નોંધ્યો હતો.
માંડ્યા જિલ્લાના નાગમંગલ ગામમાં બનેલી એ ઘટના બાદ શોભા કરાંદલજે પોલીસે ગણપતિ બપ્પાની ધરપકડ કરી હોવાનો તેમજ મૂર્તિ પર પથ્થર અને જૂતા ફેંકવામાં આવ્યા હોવાનો આક્ષેપ કરતી તસવીર સાથેની પોસ્ટ X ઉપર મૂકી હતી.આ અંગે પોલીસે ખોટી માહિતી અને ભડકામણા નિવેદન દ્વારા જાહેર શાંતિનો બંધ થાય તેવું કૃત્ય કરવા બદલ તેમની સામે ગુનો નોંધ્યો હતો. કેન્દ્રીય મંત્રીએ વાયરલ કરેલા ફોટાને ઘટના સાથે કાંઈ નિસ્બત નહીં હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે.
શું કહ્યું હતું કેન્દ્રીય મંત્રીએ?
શોભા કરાંદલજે X ઉપર લખ્યું હતું,” માંડ્યા પોલીસે પ્રથમ પૂજ્ય ગણેશની ધરપકડ કરી છે. અસામાજિક તત્વોએ મૂર્તિ ઉપર પથ્થરો અને જૂતા ફેંકી 25 દુકાનો સળગાવી દીધી છે. મુખ્યમંત્રી સીદ્ધારમૈયા અને ગૃહ મંત્રી પરમેશ્વર ગુનેગારોને છાવરી રહ્યા છે. કરોડરજ્જુ વગરની પોલીસ ગણેશની મૂર્તિને પોલીસ વાનમાં લઈ ગઈ છે. કર્ણાટકમાં કાયદો અને વ્યવસ્થા સંપૂર્ણપણે ભાંગી પડ્યા છે. કર્ણાટકમાં કોંગ્રેસના શાસનમાં હિન્દુઓ અનાથ થઈ ગયા છે”
વિપક્ષના નેતા સામે પણ ફરિયાદ
માંડ્યા પોલીસે કર્ણાટક વિધાનસભામાં વિપક્ષના નેતા આર અશોક સામે પણ ગેરમાહિતી ફેલાવવા બદલ ગુનો નોંધ્યો હતો. આર અશોકે નાગામંગલની ઘટના સમયે પાકિસ્તાન તરફી સૂત્રોચ્ચાર થયા હોય તેવો ખોટો વિડિયો મૂક્યો હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે.