ચોકમાં ટ્રાફિક જામ થાય ત્યારે જ પોલીસ ઉભી થાય છે : હાઈકોર્ટની ટકોર
પોઈન્ટ ઉપર જવાનો હાજર તો હોય છે પરંતુ એક જગ્યાએ બેસી રહેવામાં જ તેમને આવે છે મજા': વાહનના થપ્પા લાગી ગયા બાદ
હવે જવું પડશે’ તેવું લાગે પછી જ થાય છે એક્ટિવ'
આવા નિષ્ક્રિય પોલીસ કર્મીઓ સામે કડક પગલાં ભરો: આદેશની વારંવાર અવગણના થતાં સરકાર-પોલીસ પર હાઈકોર્ટ આગબબૂલા
રાજકોટ સહિત આખા ગુજરાતમાં ટ્રાફિક સમસ્યા દિવસેને દિવસે વિકરાળ બની રહી છે. બીજી બાજુ ટ્રાફિક પોલીસની સ્ટે્રન્થ યથાવત રહેતી હોવાથી આખો દિવસ અમુક વિસ્તારોમાં વાહનોના થપ્પા લાગેલા જોવા મળે છે. હવે આ સમસ્યાને લઈને હાઈકોર્ટ એકદમ આગબબૂલા થઈ ગઈ છે અને તેણે સરકાર તેમજ પોલીસને આડેહાથ લેતાં કહ્યું છે કે જ્યારે જ્યારે ટ્રાફિકજામ થાય છે ત્યારે જ ટ્રાફિક પોલીસ ઉભી થવાનો આગ્રહ શું કામ રાખી રહી છે ? હાઈકોર્ટે આકરાં શબ્દોમાં ઝાટકણી કાઢતાં કહ્યું કે ટ્રાફિક સમસ્યા મુદ્દે કોર્ટ દ્વારા અનેક આદેશ આપવામાં આવ્યા છે પરંતુ તેનો તીરસ્કાર જ થઈ રહ્યો છે.
આ અંગે કોર્ટે નારાજગી પણ વ્યક્ત કરી હતી સાથે સાથે ટકોર કરતાં કહ્યું હતું કે માત્ર લોકો પાસેથી દંડ વસૂલાતની જ કાર્યવાહી કરતાં નિષ્ક્રિય પોલીસ કર્મીઓ સામે આકરાં પગલાં લેવાની જરૂર છે. ટ્રાફિક પોલીસ અને ટ્રાફિક બ્રિગેડના જવાનને જ્યાં ફરજ સોંપાઈ હોય ત્યાં તે હાજર તો હોય છે પરંતુ કામ કરવાનું તેમને સૂઝતું જ નથી. જ્યારે ચોકમાં ટ્રાફિકજામ થઈ જાય અને પોલીસ તેમજ ટ્રાફિક બ્રિગેડને લાગે કે હવે જવું પડશે ત્યારે જ તેઓ ઉભા થવાનો આગ્રહ રાખતાં હોય જે બિલકુલ વ્યાજબી નથી. આવા કર્મચારીઓ સામે પગલાં લેવાવા જોઈએ. હાઈકોર્ટે તો એમ પણ કહ્યું કે ટ્રાફિક પોલીસ દ્વારા ડ્રાઈવ કરવામાં આવે છે તેનાથી કશું વળે તેમ નથી. સમસ્યાના સમાધાન માટે વિસ્તૃત પ્લાનિંગ થવું જરૂરી છે. ટ્રાફિક પોલીસની માનસિકતા બદલવાની જરૂર છે. કોર્ટને માત્ર આઠ દિવસમાં આ પ્રકારની અનેક ફરિયાદ મળી છે જે ટ્રાફિક પોલીસની
આળસ’ દર્શાવે છે.
રાજકોટમાં પણ સ્થિતિ ખરાબ
હાઈકોર્ટે આમ તો આખા રાજ્ય અને તેમાં પણ ખાસ કરીને અમદાવાદની વિકરાળ ટ્રાફિક સમસ્યાને લઈને ટકોર કરી હતી ત્યારે રાજકોટની વાત કરવામાં આવે તો અહીં પણ સ્થિતિ હદ બહારની ખરાબ છે. અહીંના અનેક ચોક તેમજ વિસ્તારોમાં વારંવાર ટ્રાફિકજામ થઈ રહ્યો છે પરંતુ પોલીસને જ્યારે ઈચ્છા પડે ત્યારે જ તેઓ ઉભા થઈને ચોક વચ્ચે આવવાનો આગ્રહ રાખે છે બાકીનો સમય તો તેઓ છાંયડો શોધીને આરામ ફરમાવતાં જ જોવા મળી રહ્યા હોય છે.