કેન્દ્રીય કેબિનેટે બીજા કયા મહત્વના પ્રોજેક્ટોને આપી મંજૂરી ? જુઓ
વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં બુધવારે કેન્દ્રીય કેબિનેટની મળેલી બેઠકમાં મહત્વના પ્રોજેક્ટને મંજૂરીની મહોર લાગી હતી. કેટલાક ખાસ નિર્ણયો લેવાયા હતા. અનેક પ્રસ્તાવોને મંજૂરી અપાઈ હતી જેમાં ચંદ્રયાન-4, શુક્ર મિશન, ઇંડિયન સ્પેસ સ્ટેશન અને પ્રક્ષેપણ યાન વિકસિત કરવા અંગેનો સમાવેશ થાય છે. ગગનયાન હવે ઝડપથી દોડતો પ્રોજેક્ટ બનશે.
સૌથી શાનદાર અને ગૌરવ વધારતું ગગનયાન મિશન પણ ભારતની પ્રતિષ્ઠામાં વધારો કરશે . આ પ્રોજેક્ટને કેબિનેટની મંજૂરી મળી ગઈ છે. જો કે ઇસરો પહેલાથી જ આ માટે કામ કરી રહ્યું છે. જેના હેઠળ અંતરીક્ષયાત્રીઓને સ્પેસમાં મોકલવાની તૈયારી છે. યાત્રિકોની પસંદગી પણ થઈ ચૂકી છે. એમની ટ્રેનિંગ પણ શરૂ થઈ ગઈ છે.
આ પ્રોજેક્ટને મંજૂરી મળ્યા બાદ હવે ઇસરોની ઉડાન વધુ ઝડપી બની જશે. ઇસરો અત્યારે દુનિયાની સૌથી વિશ્વાસપાત્ર અંતરીક્ષ એજન્સી બની ગઈ છે. તેના દ્વારા અમેરિકાની એજન્સી નાસા સાથે મળીને અનેક પ્રોજેક્ટ હાથ ધરાયા છે. આ એજન્સી દુનિયાના તમામ દેશોના સેટેલાઈટ અંતરિક્ષમાં પહોંચાડી રહી છે.
ચંદ્ર પરથી સેમ્પલ લાવશે યાન
દરમિયાનમાં કેબિનેટે બુધવારે જે ચંદ્રયાન-4 ને મંજૂરી આપી છે તેનું કામ પણ ઐતિહાસિક હશે. તે ચંદ્ર પર જ ઉતરશે અને ત્યાંથી સેમ્પલ કલેક્ટ કરીને ધરતી પર પાછું ફરશે. 2040 સુધી અંતરીક્ષયાત્રીઓને ચંદ્રની સપાટી પર ઉતારી દેવાનું લક્ષ્ય રખાયું છે. આગામી 36 માસમાં આ મિશન પૂરું કરાશે. તેના માટે રૂપિયા 2104 કરોડ ફાળવાયા છે.