હવે કેન્દ્રીય મંત્રી રાવ બિરેન્દ્ર સિંઘે પણ મુખ્યમંત્રી પદ માટે દાવો કર્યો
હરિયાણામાં ભાજપનો આંતરકલહ પરાકાષ્ઠાએ
ચૂંટણી પહેલા જ નવાબ સિંઘ સૈનિ સામે પડકાર
હરિયાણા વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે ભાજપમાં આંતરિક ગજગ્રાહ ફાટી નીકળ્યો છે. ભારતીય જનતા પક્ષે આ ચૂંટણીમાં મુખ્યમંત્રીના ચહેરા તરીકે વર્તમાન મુખ્યમંત્રી નવાબ સિંઘ સૈની નું નામ સત્તાવાર રીતે જાહેર કર્યા બાદ પણ રવિવારે કેન્દ્રીય મંત્રી રાવ બિરેન્દ્ર સિંઘે પણ એ પદ માટે દાવેદરી રજૂ કરતા કોકડું ગૂંચવાયું છે. આ અગાઉ હરિયાણાના ભૂતપૂર્વ ગૃહ મંત્રી અનિલ વિજે પણ પોતે મુખ્યમંત્રીપદની રેસમાં આવવાનું જણાવ્યું હતું.
વિધાનસભાની ચૂંટણી પહેલા ભારતીય જનતા પક્ષમાંથી મોટી સંખ્યામાં સિનિયર નેતાઓ પ્રધાનો અને પદાધિકારીઓએ રાજીનામા આપી અન્ય પક્ષો અથવા અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવતા હરિયાણાની મોટાભાગની બેઠકો પર ભાજપ માટે બળવાખોરો શિરદર્દ સમાન સાબિત થઈ રહ્યા છે.
એ દરમિયાન હરિયાણાના ભૂતપૂર્વ ગૃહ મંત્રી અનિલ વિજે મુખ્યમંત્રી પદ માટે દાવો રજૂ કરતાં ભાજપની આંતરિક હુંસાતુંસી સપાટી પર આવી ગઈ હતી. વિજે કર્યું હતું કે હું છ વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયો છું અને સૌથી સિનિયર ધારાસભ્ય છું. તેમણે કહ્યું કે અત્યાર સુધી મેં પક્ષ પાસે કાંઈ માગ્યું નથી પરંતુ આ વખતે મને મુખ્યમંત્રી બનાવવો જોઈએ.
તેમના આ નિવેદનના ઘેરા પડઘા પડ્યા હતા અને મામલો થાળે પાડવા પાર્ટીના ઇન્ચાર્જ ધર્મેન્દ્રપ્રધાન હરિયાણા દોડી ગયા હતા. તેમણે ફરી એક વખત જોકે પક્ષનો મુખ્યમંત્રીનો ચહેરો નવાબ સિંઘ સૈની જ હોવાનો પુનરોચ્ચાર કર્યો હતો.
આ બધી બબાલ ચાલતી હતી ત્યાં કેન્દ્રીય મંત્રી રાવ બીરેન્દ્ર સિંઘે પણ મુખ્યમંત્રી બનવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું, ” મને ખબર છે કે મુખ્યમંત્રીના ચહેરા તરીકે અમિત શાહે નવાબ સિંઘ સૈનીના નામની ઘોષણા કરી છે અને અમે પક્ષના નિર્ણય સાથે રહેશું પરંતુ લોકો મને મુખ્ય મંત્રી તરીકે જોવા ઈચ્છે છે. આ માત્ર મારી જ નહીં પરંતુ લોકોની પણ ઈચ્છા છે”.
સિંઘ દક્ષિણ હરિયાણાના છે. તેમણે ઉમેર્યું કે દક્ષિણ હરિયાણાએ ભાજપને સમર્થન ન આપ્યું હોત તો મનોહરલાલ ખટ્ટર બે બે વખત મુખ્યમંત્રી ન બની શક્યા હોત. નોંધનીય છે કે હરિયાણામાં આ વખતે ભાજપ સામે મોટો પડકાર ઉભો થયો છે અને ત્યારે જ મુખ્યમંત્રી પદના પક્ષના સત્તાવાર ચહેરા સામે હરીફાઈ શરૂ થતા મામલો વધુ ગંભીર બની ગયો છે.