ભાગેડુ નીરવ મોદી સામે શું લેવાયા પગલાં ? વાંચો
ઇડીએ પીએનબી કૌભાંડ અંગે કરી કાર્યવાહી, ભાગેડુ નીરવ બ્રિટનની જેલમાં છે
ભારતીય બેંકોને હજારો કરોડ રૂપિયાની છેતરપિંડી કરનાર ભાગેડુ બિઝનેસમેન નીરવ મોદીને મોટો આંચકો લાગ્યો છે. ઇડીએ નીરવ મોદીની 29 કરોડ 75 લાખ રૂપિયાની સ્થાવર મિલકત અને બેંક બેલેન્સ જપ્ત કરી છે. પીએનબી બેંક કૌભાંડ કેસમાં ભાગેડુ નીરવ મોદી વિરુદ્ધ આ કાર્યવાહી કરવામાં આવી છે. 6498 કરોડના આ બેંક ફ્રોડ કેસમાં ઇડીએ સીબીઆઇની એફઆઇઆર પર તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન ઇડીને નીરવ મોદી અને તેના ગ્રૂપ ઓફ કંપનીઓની જમીન અને બેંક ખાતાની જાણકારી મળી હતી.
અત્યાર સુધીમાં રૂ. 2596 કરોડની સંપત્તિ જપ્ત
આ મિલકતોને પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ 2022 હેઠળ કામચલાઉ રીતે જોડવામાં આવી છે. પીએમએલએ તપાસ દરમિયાન, ઇડીએ અગાઉ નીરવ મોદી અને તેના સહયોગીઓની ભારત અને વિદેશમાં લગભગ 2596 કરોડ રૂપિયાની જંગમ અને સ્થાવર મિલકતો જપ્ત કરી હતી.
નીરવ મોદી બ્રિટનની જેલમાં બંધ છે
આ વર્ષની શરૂઆતમાં નીરવ મોદીએ યુકેની કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી અને યુકેની કોર્ટે સાતમી વખત તેના જામીન ફગાવી દીધા હતા. જામીનના આદેશ સામે નીરવ મોદીએ યુકે હાઈકોર્ટ સમક્ષ અપીલ દાખલ કરી હતી, જે બાદમાં પાછી ખેંચી લેવામાં આવી હતી. હાલ તે બ્રિટિશ જેલમાં બંધ છે અને તેની વધુ તપાસ ચાલી રહી છે.