ભરૂચમાં ધાર્મિક ઝંડા લગાવવા બાબતે બે જૂથ વચ્ચે ઘર્ષણ : પથ્થરમારો-તોડફોડ, પોલીસ કાફલો ખડકાયો
હજુ થોડા દિવસ પહેલા સુરતમાં ગણેશ પંડાલ પર હુમલો કરવાની ઘટનાને સામે આવી હતી ત્યારે વધુ એક કૌમી ઘર્ષણની ઘટના ભરૂચમાં પણ સામે આવી છે. ધાર્મિક ઝંડા લગાવવા બાબતે બે જૂથ વચ્ચે સામ-સામે આવ્યા હતા અને પથ્થરમારો પણ કરવામાં આવ્યો હતો. ત્યારે ઘટનાની જાણ થતાં પોલીસના અધિકારીઓ બનાવ સ્થળે પહોંચ્યા હતા અને પરિસ્થિતિ વધુ વણસે નહી તે માટે પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો.
મળતી વિગતો અનુસાર આ ઘટના બી. ડિવિઝન પોલીસમથકના કુકરવાડામાં આવેલા ગોકુળનગર નજીકની છે જ્યાં ધાર્મિક ઝંડાઓને લઈને બે જૂથો વચ્ચે કૌમી ઘર્ષણનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ દરમિયાન બંને તરફથી પથ્થરમારાની ઘટનાઓ પણ બની હતી. જો કે પોલીસે ઘટનાસ્થળે પહોંચી પરિસ્થિતિને કાબુમાં લીધી હતી. કહેવામાં આવી રહ્યું છે કે એક તરફ ગણેશ મહોત્સવ અને બીજી તરફ ઈસ્લામિક ધાર્મિક ધ્વજ લહેરાવાના કારણે વિવાદ શરૂ થયો હતો. જો કે હાલ સ્થિતિ કાબુમાં છે.
ડીએસપી ભરૂચ મયુર ચાવડાના જણાવ્યા મુજબ ગત રાત્રે 10.30 વાગ્યાના સુમારે બે કોમના લોકો સામસામે આવી ગયા હોવાની પોલીસને જાણકારી મળી હતી. જ્યારે પોલીસ ઘટનાસ્થળે પહોંચી ત્યારે ઝંડા લગાવવાને લઈને હોબાળો થયો હતો. આ દરમિયાન ભારે પથ્થરમારો અને તોડફોડ જેવી ઘટનાઓ બની હતી. અથડામણ દરમિયાન 2 લોકો ઈજાગ્રસ્ત થયાની પણ જાણકારી મળી રહી છે. પોલીસે આવીને પરિસ્થિતિને કાબુમાં લીધી હતી. હાલ તેની તપાસ ચાલી રહી છે.
ઉલ્લેખનીય છે કે છેલ્લા 4 દિવસ દરમિયાન ગુજરાતમાં ત્રીજી વાર શાંતિ ડહોળવાનો પ્રયાસ થયો છે. 8 સપ્ટેમ્બરે સુરતમાં ગણેશ પંડાલમાં પથ્થરમારો અને વડોદરામાં ગણેશોત્સવની વચ્ચે ધાર્મિક ઝંડા લગાવવાના વિવાદ સામે આવ્યો હતો. હવે 10 સપ્ટેમ્બરની મોડી રાત્રે એટલે કે ભરૂચમાં પણ ધાર્મિક ઝંડા લગાવવા બાબતે બે કોમનાં ટોળાં સામસામે આવતા તંગદિલી ફેલાઈ હતી.
પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો
ઘટનાની જાણકારી મળતાં એસ.પી. મયુર ચાવડા સહિત સમગ્ર પોલીસ કાફલો દોડી આવતા સ્થિતિ થાળે પડી હતી. ત્યારબાદ કોઈ અણગમતી ઘટના ન બને તેને ધ્યાનમાં રાખીને ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી હતી અને મોટી સંખ્યામાં પોલીસ કાફલો ખડકી દેવાયો હતો. હાલમાં સીસીટીવી ફૂટેજની મદદથી તોફાનીઓને શોધવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.