યુક્રેને રશિયા પર કેવી રીતે કર્યો હુમલો ? શું થઈ નુકસાની ? જુઓ
રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધની ગરમી હજુ ઓછી થતી જણાતી નથી. યુક્રેનને શાંતિ મંજૂર નથી તેવું તેનું વલણ દેખાય છે . યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ પુતિનને ફરી એકવાર પોતાની તાકાત બતાવી હતી. યુક્રેને રશિયાની રાજધાની મોસ્કો પર આખી રાત ડ્રોન વડે બોમ્બમારો કર્યો હતો. જેના કારણે સમગ્ર વિસ્તાર ધુમાડામાં લપેટાઈ ગયો હતો. જોકે, રશિયાનું કહેવું છે કે તેણે 144 યુક્રેનિયન ડ્રોન તોડી પાડ્યા છે.
મોસ્કો નજીક યુક્રેનિયન ડ્રોન હુમલામાં ઓછામાં ઓછા એક વ્યક્તિનું મોત થયું હતું. પહેલા હુમલામાં એક બાળકના માર્યા ગયાના સમાચારની પુષ્ટિ થઈ નથી. ગવર્નર આન્દ્રે વોરોબ્યોવે જણાવ્યું હતું કે એક હુમલા બાદ ત્રણ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે 46 વર્ષીય મહિલાનું મૃત્યુ થયું હતું (અગાઉ નોંધવામાં આવ્યું હતું કે નવ વર્ષના બાળકનું મૃત્યુ થયું હતું, પરંતુ આ માહિતીની પુષ્ટિ થઈ નથી).
રશિયન અધિકારીઓએ જણાવ્યું કે મંગળવારે મોસ્કોની આસપાસ ડ્રોન હુમલામાં ઓછામાં ઓછા 144 ડ્રોન તોડી પાડવામાં આવ્યા હતા. આ હુમલામાં ઘણી રહેણાંક ઈમારતોમાં આગ લાગી હતી, એક મહિલાનું મોત થયું હતું અને 30થી વધુ ફ્લાઈટ્સ રોકવી પડી હતી.
રશિયાના દક્ષિણ-પશ્ચિમમાં સ્થિત બ્રાયનસ્ક ક્ષેત્રના ગવર્નરે જણાવ્યું હતું કે યુક્રેનની સરહદે આવેલા આ વિસ્તારમાં 60થી વધુ ડ્રોન તોડી પાડવામાં આવ્યા છે. જોકે, અહીં કોઈ જાનહાનિ કે નુકસાનના સમાચાર નથી.
ઝેલેન્સકીએ એવા સમયે રશિયા પર હુમલો કર્યો છે જ્યારે યુક્રેન યુદ્ધ નિર્ણાયક તબક્કે છે. ભારત અને ચીન સહિત વિશ્વના ઘણા દેશો યુદ્ધને ખતમ કરવામાં લાગેલા છે.