ડાલામથ્થા સાવજો માટે જૂનાગઢમાં લેબોરેટરી ટેસ્ટિંગ બાદ એસી વાહનમાં રવાના કરાઈ છે બફેલો મીટ
જીનપુલના સિંહો માટે સેન્ટ્રલી કિચન !
જૂનાગઢ શક્કરબાગથી વાંકાનેર, ધારી, બરડા અને સાસણ માટે મોકલવામાં આવે છે ખોરાક
રાજકોટ : સમગ્ર ભારત વર્ષમાં એક માત્ર ગીરના જંગલમાં જ એશિયાટિક લાયન એટલે કે આપણા ડાલામથ્થા સાવજનો વસવાટ છે ત્યારે કેન્દ્ર-રાજ્ય સરકાર દ્વારા ગીર અભયારણ્યના ઘરેણા સમાન સિંહોને લુપ્ત થતા બચાવવા માટે ગીર અભ્યારણ્યને રક્ષિત જાહેર કરવાની સાથે સાસણ, ધારી, પોરબંદરના બરડા ડુંગર, જૂનાગઢ શક્કરબાગ અને વાંકાનેર નજીક રામપરા વીડી ખાતે સિંહોના જીનપુલ એટલે કે સિંહ સંવર્ધન કેન્દ્ર શરૂ કરાયા છે જ્યાં હાલમાં મોટી સંખ્યામાં સિંહો અનુકૂળ વાતાવરણમાં વસવાટ કરી રહ્યા છે સાથે પ્રજજન પણ કરી રહ્યા છે મહત્વનું છે કે, લોકોની અવરજવર માટે પ્રતિબંધિત આ તમામ સિંહ સંવર્ધન કેન્દ્રમાં માટે ખાસ શક્કરબાગથી દૈનિક ખોરાક પહોંચાડવામાં આવી રહ્યો છે.
એક સમયે લુપ્ત થવાના આરે પહોંચી ગયેલ એશિયાટિક લાયન એટલે કે સિંહોને હવે ગીરનું અભ્યારણ્ય ટૂંકું પડી રહ્યું છે. રાજ્ય સરકાર દ્વારા છેલ્લે વર્ષ 2020 માં કરવામાં આવેલી વસતી ગણતરી અનુસાર સિંહની સંખ્યા 674 છે. જેમાં માદાની સંખ્યા 309 છે, નરની સંખ્યા 206 છે, બચ્ચાની સંખ્યા 29 છે અને જે સિંહોની ઓળખ થઇ શકી નથી તેવાની 130 સંખ્યા નોધાઇ છે.જો કે, આમ છતાં ભવિષ્યમાં સિંહો સુરક્ષિત રહે તે માટે ગુજરાત સરકાર દ્વારા જૂનાગઢ શક્કરબાગ, સાસણ, પોરબંદરના બરડા ડુંગર, ધારી તેમજ રાજકોટ નજીક વાંકાનેર તાલુકાના રામપરા વીડી ખાતે સિંહ જીનપુલ પ્રોજેક્ટ અંતર્ગત સિંહોનો વસવાટ કરી સંવર્ધન કરવામાં આવી રહ્યું છે. હાલમાં વાંકાનેર રામપરા વીડી ખાતે 10 વયસ્ક અને 4 સિંહબાળની ડણક ગાજી રહી છે.
બીજી તરફ જીનપુલમાં વસવાટ કરતા ડાલામથ્થા સાવજોને એકસૂત્રતા જળવાઈ રહે તે મુજબનો ખોરાક મળી રહે તેવી વ્યવસ્થા સુદ્રઢ કરી છે અને હાલમાં રાજકોટ નજીક વાંકાનેરની રામપરા વીડી ખાતે આવેલા જીનપુલમાં રાખવામાં આવેલા 14 સિંહ સહિત પોરબંદર, સાસણ અને ધારી સેન્ટર ખાતે જૂનાગઢ શક્કરબાગ ખાતેથી દૈનિક મીટ સપ્લાય કરવામાં આવી રહ્યું હોવાનું જાણવા મળે છે, વાંકાનેર રામપરા વીડીનાં આરએફઓ પી.પી.નરોડીયાએ જણાવ્યું હતું કે, સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીના નિયમ મુજબ જીનપુલના સિંહોને ખોરાક આપવામાં આવે છે જેમાં વયસ્કને દૈનિક 7થી 9 કિલોગ્રામ સુધી તેમજ નાના બાળસિંહોને દૈનિક 4થી 5 કિલોગ્રામ ખોરાક આપવામાં આવે છે. ખાસ કરીને સિંહોને આપવામાં આવતો ખોરાક દરરોજ જૂનાગઢથી એસી વાહનમાં આઇસબોક્સમાં આવતો હોવાનું તેમને ઉમેર્યું હતું.
બોક્સ-
સિંહો કરે છે અઠવાડિયા એક દિવસનો ઉપવાસ
સિંહોના સંવર્ધન માટે હાલમાં જૂનાગઢ શક્કરબાગ, સાસણ, પોરબંદરના બરડા ડુંગર, ધારી તેમજ રાજકોટ નજીક વાંકાનેર તાલુકાના રામપરા વીડી ખાતે સિંહ સંવર્ધન કેન્દ્રો ચાલી રહ્યા છે જેમાં દૈનિક વયસ્ક સિંહને 7થી 9 કિલોગ્રામ અને બાળસિંહને 4થી 5 કિલોગ્રામ ખોરાક આપવામાં આવે છે ત્યારે જીનપુલ કે ઝૂમાં રહેતા સિંહોને સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી ઓફ ઇન્ડિયાની ગાઈડ લાઈન મુજબ અઠવાડિયામાં એક દિવસ ખોરાક નથી આપવામાં આવતો જે અંતર્ગત રાજકોટ સહિતના જીનપુલમાં રવિવારે સિંહોને ખોરાક આપવામાં ન આવતો હોવાનું સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું.
બોક્સ-
સિંહોને બફેલો મીટ જ આપવામાં આવે છે
રાજ્ય સરકારના જીનપુલ પ્રોજેક્ટ અંતર્ગત હાલમાં પાંચ જેટલા જીનપુલમાં સાવજોને વાતવરણ માફક આવતા આ જીનપુલમાં સિંહોનું પ્રજનન સફળ થતા સિંહોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે ત્યારે જીનપુલમાં રાખવામાં આવેલા આ તમામ સિંહોને ફક્ત બફેલો મીટ જ આપવામાં આવતું હોવાનું શક્કરબાગ આરએફઓ નીરજ મકવાણાએ જણાવ્યું હતું,
બોક્સ-
જૂનાગઢના નવાબે ગીરના જંગલને 19મી સદીમાં રક્ષિત જાહેર કર્યું હતું
ગીરનું જંગલ એશિયાઇ સિંહોનું એકમાત્ર રહેઠાણ છે અને એશિયાના અતિ મહત્ત્વના રક્ષિત વિસ્તાર તરીકે ગણવામાં આવે છે. જુનાગઢના નવાબ દ્વારા સને ૧૯૦૦ની શરૂઆતથી ગીરનો જંગલ વિસ્તાર અને તેના સિંહોને “રક્ષિત” જાહેર કરાયેલા. આ પહેલ સિંહોના રક્ષણમાં ખૂબ મદદરૂપ બની છે, કારણ કે, એક સમયે શિકાર પ્રવૃતિને કારણે સિંહોની સંખ્યા ફક્ત ૧૫ જેટલી જ રહી ગઈ હતી.
બોક્સ-
સિંહની વસતી
વર્ષ સંખ્યા
૧૯૬૮ ૧૭૭
૧૯૭૪ ૧૮૦
૧૯૭૯ ૨૦૫
૧૯૮૪ ૨૩૯
૧૯૯૦ ૨૮૪
૧૯૯૫ ૩૦૪
૨૦૦૦ ૩૨૭
૨૦૦૫ ૩૫૯
૨૦૧૦ ૪૧૧
૨૦૧૫ ૫૨૩
૨૦૨૦ ૬૭૪