નકલી ડોક્યુમેન્ટ બનાવી વેપારી સાથે 1.90 કરોડની છેતરપિંડી
અટલ સરોવર પાસેની જમીનના માલિકના
રૈયા રોડ પર ફરસાણની દુકાન ધરાવતા વેપારી સાથે ચાર ગઠિયાઓએ અન્યની લગડી જેવી જમીનનો 6 કરોડમાં સોદો કરી સાટાખત પેટે કરોડો રૂપિયા પડાવ્યા : ડે.મેયર નરેન્દ્રસિંહને વાત કરતાં વેપારી અસલી જમીન માલિક સુધી પહોંચ્યાને કૌભાંડનો પર્દાફાસ થયો
રાજકોટના રૈયારોડ પર તિરૂપતિનગરમાં રહેતા અને ફરસાણની દુકાન ધરાવતા વેપારી સાથે અટલ સરોવર પાસે આવેલી લગડી જેવી ઘંટેશ્વર સર્વે નંબરની જમીનનો બોગસ ખેડુત બનીને આવેલા શખસ અને દલાલ સહીત ચાર શખસોએ તેમને જમીન વેચવાનું કહી 6 કરોડમાં સોદો નકકી કરી સાટાખત પેટેના 1.90 કરોડ વેપારી પાસેથી પડાવી લીધા હતા.બાદમાં આ મામલે વેપારીએ તેમના મિત્ર એવા ડે.મેયર નરેન્દ્રસિંહને વાત કરતાં આ સમગ્ર કૌભાંડનો પર્દાફાસ થયો હતો.અને આ મામલે પોલીસે ફરિયાદ નોંધી આરોપીઓનો શોધખોળ હાથધરી છે.
વિગત મુજબ તિરૂપતિનગરમાં રહેતા ભુપતભાઇ ગોવિંદભાઈ ઠુંમરે નોંધાવેલી ફરિયાદમાં આરોપીમાં જમીન દલાલ મનીષ કચરાભાઈ દેત્રોજા, રવિ વાઘેલા તથા શૈલેષ અને જમીન માલિકની ઓળખ લેનારનું નામના આપતા જણાવ્યું હતું કે, ગત વર્ષે સપ્ટેમ્બર મહિનામાં વેપારી ભુપતભાઈને મિત્ર ગાંધીગ્રામમાં રહેતા દાઉદ નામના વ્યકિતએ વેજાગામમાં જમીન છે. ખરીદ કરવી હોય તો બતાવું તેવી વાત કરી હતી અને દાઉદે આ જમીન મિત્ર એવા દલાલ મનીષભાઈએ જોયેલી છે તેમ કહ્યું હતું. જેથી ત્રણેય વ્યકિત જમીન જોવા ગયા હતા પરંતુ આ જમીન ભુપતભાઈને અનુકુળ આવી ન હતી અને મનીષભાઈએ બીજે કયાંય સારી જમીન હશે તો બતાવી તેમ કહી મોબાઈલ નંબર અને ભુપતભાઇની મુરલીધર ફરસાણ નામે આવેલી દુકાનનું એડ્રેસ લીધું હતું.
એક માસ બાદ મનીષ દુકાને આવ્યો હતો અને કહ્યું હતું કે, ઘંટેશ્વર સર્વેમાં નવા રેસકોર્ષ નજીક પોતાના મિત્ર શૈલેષના મામા ઘુસાભાઈ ઘેલાભાઈ સીતાપરાની જમીન શૈલેષ મારફતે ૬ કરોડનું એકર લેખે સોદો કરીને પોતે (મનીષ) ટોકન આપ્યું છે. હવે જમીન લેવાઇ તેટલી આર્થિક સ્થિતિ નથી માટે આ જમીન તમે ૮ કરોડના એકર લેખે ખરીદ કરી લ્યો. જે તે સમયે ભુપતભાઈએ આ ભાવે જમીન લેવાની ના પાડી હતી. બાદમાં આ જમીન જોવા માટે ગયા હતા.ત્યારે જમીન માલિકના દસ્તાવેજી પુરાવા જોયા હતા.જેમાં ઘૂસાભાઈનું નામ હતું.અને 6 કરોડ લેખે એકરનો ભાવ નક્કી કરી 30 કરોડમાં સોદો નક્કી કર્યો હતો.જેના પૈસા એક વર્ષમાં આપવાનું નક્કી હતું હતું.બાદમાં આ જમીનનો 1.90 કરોડમાં સાટાખત કરાવવાનું નક્કી કરતાં વેપારીએ પૈસા આપીને સાટાખત કર્યો હતો.
આ સોદો થયાના થોડા સમય બાદ વેપારી ડે.મેયર નરેન્દ્રસિંહને મળ્યા હતા.ત્યારે જમીન બાબતની વાત કરી હતી.ત્યારે આ કૌભાંડનો પર્દાફાસ કર્યો હતો.આરોપીઓએ જે વ્યક્તિને ઘૂસાભાઈ તરીકે બતાવ્યા હતા.તે ઘૂસાભાઈ ન હોવાની નરેન્દ્રસિંહને વાત કરતાં વેપારીએ સાચા જમીન માલિકનો સંપર્ક કરતાં પોતાની સાથે છેતરપિંડી થયાનું માલૂમ પડ્યું હતું.અને આ મુદે તેમણે ગાંધીગ્રામ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓની શોધખોળ કરી છે.