બેફામ ગતિથી દોડતા વાહનોનું ઇલેક્ટ્રોનિક ચેકિંગ કરો…
સુપ્રીમ કોર્ટનો તમામ રાજ્ય સરકારોને આદેશ
૧૦ લાખથી વધુની વસતીવાળા શહેરોમાં, હાઇ-વે પર ખાસ વ્યવસ્થા જરૂરી…
દેશના હાઇ વે અને સડકો પર શિસ્ત સ્થાપિત કરવા માટે સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારોને ખાસ સૂચનાઓ આપી હતી અને બેફામ રફ્તારથી દોડતા વાહનોનું ઇલેક્ટ્રોનિક મોનીટરીંગ કરવાનો આદેશ કર્યો હતો. મોટર વાહન અધિનિયમની ધારા ૧૩૬-એ તરત જ લાગુ કરવાનો નિર્દેશ પણ કર્યો હતો. સુપ્રીમ કોર્ટે એમ ઠરાવ્યું હતું કે આ કલમ હેઠળ અધિકારીઓને ખૂબ જ ઝડપથી દોડતા વાહનોનું ઇલેક્ટ્રિક ચેકિગ કરવાની સત્તા આપે છે. ન્યાયમૂર્તિ અભય ઓક અને ન્યાયમૂર્તિ મસીહની બનેલી બેન્ચે આ મુજબની સૂચનાઓ આપી હતી.
કોર્ટે એમ પણ કહ્યું હતું કે દેશના પ્રમુખ શહેરો અને વધુ જોખમ ધરાવતા માર્ગો પર રાજ્ય સરકારોએ ઇલેક્ટ્રોનિક ચેકિગ માટે વ્યવસ્થા નિર્માણ કરવી જોઈએ. ૧૦ લાખથી વધુ વસતિવાળા શહેરોમાં આ વ્યવસ્થા કરવી જોઈએ. વધુ પડતી રફ્તારથી દોડતા વાહનો માનવ સમાજ માટે એક જોખમ ગણાય છે અને અકસ્માતોની સંખ્યા પણ વધી રહી છે. ત્યારે હાઇ વે અને પ્રમુખ શહેરોમાં ઇલેક્ટ્રોનિક મોનીટરીંગ જરૂરી બન્યું છે. તમામ કેન્દ્રશાસિત પ્રદેશોમાં પણ આ મુજબની વ્યવસ્થા કરવાનો આદેશ કોર્ટે આપ્યો હતો.
