તહેવારો પર વિમાની ભાડામાં કેટલો વધારો થઈ શકે છે ? જુઓ
આ વખતે દશેરા અને દિવાળી તહેવાઓ પર લોકોને વિમાન ભાડાંમાં ભારે કિમત ચૂકવવી પડશે અને હવાઈ મુસાફરી મોંઘી થવાની છે. ટ્રાવેલ વેબસાઈટ અનુસાર તહેવારોની સિઝનમાં ફ્લાઈટ ટિકિટના ભાવમાં વધારો થવાની ધારણા છે. મનીકંટ્રોલના રિપોર્ટ અનુસાર, ઓનલાઈન ટ્રાવેલ પ્લેટફોર્મ ઇકસીગોએ કહ્યું છે કે ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે ઓક્ટોબર અને નવેમ્બરમાં દિવાળી અને દશેરા માટે એડવાન્સ ફ્લાઈટ બુકિંગમાં 30-35% વધારો થયો છે. આ ઉપરાંત ઓવરઓલ વિમાની ભાડા તહેવારોમાં 20 થી 30 હજાર સુધી વધી શકે છે.
દશેરા 12 ઓક્ટોબરના રોજ મનાવાશે અને ત્યારબાદ દિવાળી 31 ઓક્ટોબરે છે અને અત્યારથી જ લોકોએ બુકિંગ શરૂ કરાવ્યું છે પણ હવે બુકિંગ પણ મોંઘું થયું છે.
ઇકસીગો ગ્રુપના સહ-સીઇઓ રજનીશ કુમારે મીડિયાને જણાવ્યું હતું કે ગોવા અને જયપુર જેવા પ્રખ્યાત પર્યટન સ્થળોના ભાડા સામાન્ય રીતે તહેવારોની સીઝનમાં 15-20% સુધી વધે છે. ઇઝી માય ટ્રીપના સહ-સ્થાપક રિકાંત પિટ્ટીએ જણાવ્યું હતું કે જેમણે ત્રણ મહિના અગાઉથી બુકિંગ કરાવ્યું છે તેમના માટે 2023ના સમાન સમયગાળાની સરખામણીએ 2024ના દિવાળી સપ્તાહ દરમિયાન ફ્લાઈટ ટિકિટના ભાવમાં વધારો થયો છે.
“લોકપ્રિય સ્થાનિક રૂટ પર વન-વે ટિકિટના ભાવમાં ભારે વધારો થયો છે. ઉદાહરણ તરીકે, મુંબઈથી પટના જેવા રૂટ પરના ભાડા રૂ. 20,000થી વધુ વધી ગયા છે, જ્યારે બેંગલુરુથી વારાણસી રૂ. 24,000 અને બેંગલુરુથી પટના રૂ. 30,000 રૂપિયા છે,” પિટ્ટીએ કહ્યું. મુંબઈથી લખનૌ રૂ. 18,000 સહિત અન્ય મુખ્ય માર્ગો પર પણ કિંમતો વધી છે.”