ગુનાનો આરોપી હોય કે દોષિત, તેનું ઘર કેમ તોડી શકાય?: સુપ્રીમ કોર્ટ
બૂલડોઝર ન્યાય સામે સર્વોચ્ય અદાલતની લાલ આંખ
ભારતના કેટલાક રાજ્યોમાં ગુનાના આરોપીઓના ઘર પર બૂલડોઝર ફેરવી દેવાના વધેલા ચલણની સર્વોચ્ય અદાલતે આકરી ઝાટકણી કાઢી કોઈ પણ મિલકતનું ડિમોલેશન કરતા પહેલા કાનૂની પ્રક્રિયા અનુસરવી ફરજીયાત હોવાનું જણાવ્યું હતું.
જસ્ટિસ બીઆર ગવઇ અને જસ્ટિસ કેવી વિશ્વનાથન ની ખંડપીઠે સવાલ કર્યો હતો કે કોઈ વ્યક્તિ ઉપર ગુનાનો આરોપ હોય કે કોઈ વ્યક્તિ દોષિત ઠરી હોય તો પણ તેનું મકાન કઈ રીતે તોડી શકાય? તેના જવાબમાં સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે કોઈ વ્યક્તિ ઉપર ગુનાનો આરોપ હોય એટલે તેનું મકાન તોડી ન શકાય. માત્ર જ્યારે બાંધકામ ગેરકાયદેસર હોય ત્યારે જ ડિમોલિશન થઈ શકે.
તુષાર મહેતા ની એ કબુલાત બાદ અદાલતે કહ્યું કે તમે જ્યારે આ વાતનો સ્વીકાર કરો છો ત્યારે અમે ડિમોલિશન માટે માર્ગદર્શિકા જાહેર કરીશું.અદાલતે કહ્યું કે બાંધકામ ગેરકાયદેસર હોય તો પહેલા નોટિસ આપો, જવાબ આપવા માટે અને કાનુની વિકલ્પો માટે સમય આપો અને પછી પગલાં લ્યો. અદાલતે કહ્યું કે અમે મંદિર સહિત જાહેર રસ્તા ઉપર અડચણરૂપ કોઈપણ ગેરકાયદેસર બાંધકામને બચાવવા નથી માગતા પરંતુ ડિમોલિશન માટે કાનૂની પ્રક્રિયાને અનુસરવી જોઈએ.
બુલડોઝર ન્યાયનો ભોગ બનેલા અરજકર્તાઓના વકીલ દુષ્યંત દવેએ દિલ્હીના જહાંગીરપુરીમાં બુલડોઝર દ્વારા તોડી પડાયેલા મકાનોનું ઉદાહરણ આપ્યું હતું. તેમણે કહ્યું કે ભાડે આપેલા મકાનો પણ તંત્રએ તોડી નાખ્યા હતા. 50- 60 વર્ષ જૂના મકાનો પણ તેમાં રહેતા ભાડૂત કે પરિવારના કોઈ સભ્યની ગુનાહિત સંડોવણીના આરોપસર તોડી પડાયા હોવાની તેમણે માહિતી આપી હતી. ઉદયપુરમાં એક વિદ્યાર્થીની છરી મારી હત્યા કરનાર વિદ્યાર્થીનું ઘર તોડી પાડવાનો કિસ્સો પણ અદાલતમાં ઉછળ્યો હતો. અદાલતે કહ્યું કે પુત્ર એ ગુનો કર્યો હોય એટલે તેના માતા પિતાનું ઘર તોડી નાખવું તે યોગ્ય રસ્તો નથી. અદાલતે ડિમોલિશન માટે એક ચોક્કસ માર્ગદર્શિકા નક્કી કરવા માટે સૂચનો પણ મંગાવ્યા છે.આ કેસની વધુ સુનાવણી 17 મી સપ્ટેમ્બરે થશે.