રાજ્યભરમાં રાહત !! માત્ર આઠ જ તાલુકામાં વરસાદ
- સૌથી વધુ સુરતમાં 24 મીમી, ભાવનગરમાં 15 મીમી વરસાદ : રાજકોટના તાપમાનમાં વધારો
રાજકોટ : સમગ્ર રાજ્યમાં સતત પાંચ દિવસ સુધી સતત ભારે વરસાદ બાદ શુક્રવાર બાદ શનિવારે પણ રાહત અનુભવાઈ છે, શનિવારે સવારે 6થી સાંજના 6 વાગ્યા સુધીમાં માત્ર આઠ તાલુકામાં જ વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધુ સુરતમાં 24 મીમી અને સૌથી ઓછો મોરબી તાલુકામાં માત્ર એક મીમી વરસાદ જ નોંધાયો છે, બીજી તરફ એક જ દિવસના વિરામ બાદ રાજકોટમાં મહત્તમ તાપમાનનો પારો ઉંચકાઈને 32.8 ડિગ્રી નોંધાયો હતો.
રાજકોટ સહિત રાજ્યભરમાં 24 ઓગસ્ટની રાત્રિથી મેઘરાજાએ સટાસટી બોલાવી વિક્રમી વરસાદ વરસાવ્યા બાદ ગઈકાલથી આંશિક રાહત મળ્યા બાદ શનિવારે રાજ્યભરમાં ઉઘાડ વચ્ચે સૂર્યનારાયણના દર્શન થયા હતા. જો કે, શનિવારે સવારે 6 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધીમાં રાજ્યના આઠ તાલુકામાં વરસાદ નોંધાયો હતો જેમાં સુરતમાં 24 મીમી, ભાવનગરમાં 15 મીમી, સાબરકાંઠાના પોશીના અને જામનગરના જોડીયામાં 7-7 મીમી, બારડોલીમાં 3 અને વાપીમાં 2 મીમી અને વડોદરાના સિનોર અને મોરબીમાં એક-એક મીલીમીટર વરસાદ નોંધાયો હતો.
ઉલ્લેખનીય છે કે, સતત પાંચ દિવસ વરસાદને પગલે રાજકોટ શહેરમાં મહત્તમ તાપમાનનો પારો ગગડીને 30થી 31 ડિગ્રી આજુબાજુ રહ્યા બાદ શનિવારે સ્વાર્થી સૂર્યનારાયણના દર્શન સાથે જ બપોરે સુરજદેવતા તપતા તાપમાનનો પારો 32.8 ડિગ્રીને આંબી ગયો હતો અને લોકોને ગરમીનો અહેસાસ થયો હતો.