આ તે કેવી જનેતા !! તાજી જન્મેલી ચોથી પુત્રીને ગળું દબાવી મારી નાખી
દિલ્હીમાં બનેલી એક અત્યંત કરુણ ઘટનામાં એક જનેતાએ તેની નવજાત પુત્રીનું ગળું દબાવીને હત્યા કર્યા બાદ લાશ બેગમાં પેક કરી પાડોશીની અગાસીમાં ફેંકી દીધી હતી. ચોથી પુત્રી અવતર્યા બાદ શું કરવું એ મૂંઝવણવામાં તેણે હત્યા કરી હોવાની કબુલાત આપી હતી.
પોલીસના જણાવ્યા અનુસાર પશ્ચિમ દિલ્હીના ખ્યાલા વિસ્તારમાં રહેતી 28 વર્ષની શિવાની નામની મહિલાએ ચોથી પુત્રીને જન્મ આપ્યો હતો. તેની બે પુત્રીઓ ના જોકે અગાઉ મૃત્યુ થઈ ચૂક્યા છે. શુક્રવારે રાત્રે હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ તે નવજાત બાળકી લઈને પિયરના ઘરે આવી ગઈ હતી.
શિવાનીના જણાવ્યા અનુસાર રાત્રે 2:00 વાગ્યે પુત્રીને દૂધ પીવડાવ્યા બાદ તે સૂઈ ગઈ હતી અને સવારે ઊઠીને જોયું તો બાળકી ગાયબ હતી. તેની આ ફરિયાદ બાદ પોલીસે સઘન તપાસ હાથ ધરી હતી. શંકાને આધારે પોલીસે કરેલી આખરી પૂછપરછમાં અંતે શિવાનીએ પોતે જ હત્યા કરી હોવાનું કબૂલ્યું હતું.
તેના જણાવ્યા મુજબ બાળકીને દુગ્ધપાન કરાવતી વેળાએ તેને અનેક પ્રકારના વિચાર આવતા હતા અને એ દરમિયાન તેણે ગળું દબાવી દીધું હતું. બાદમાં બાળકીની લાશ બેગમાં બંધ કરી અને બેગ પાડોશીની અગાસી પર મૂકી દીધી હતી.