વિવાદમાં સપડાઈ કંગનાની ફિલ્મ ‘ઇમરજન્સી’…સેન્સર સર્ટિફિકેટ રોકવામાં આવ્યું, એક્ટ્રેસને મળી રહી છે આવી ધમકી
કંગના રનૌતની ફિલ્મ ઇમરજન્સી વિવાદો વચ્ચે ઘેરાઈ છે. આ ફિલ્મમાં તે ભારતના પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીના રોલમાં જોવા મળશે. ફિલ્મનું ટ્રેલર સામે આવતાની સાથે જ આ ફિલ્મ ચર્ચાનો વિષય બની ગઈ હતી. આ પછી ફિલ્મને લઈને પણ વિવાદ શરૂ થયો હતો. અભિનેત્રી આ ફિલ્મના પ્રમોશનમાં કોઈ કસર છોડી રહી નથી. તો જેમ જેમ ‘ઇમરજન્સી’ની રિલીઝ ડેટ નજીક આવી રહી છે તેમ તેમ ફિલ્મને લઈને વિવાદ વધી રહ્યો છે. આ ફિલ્મને બેન કરવાની વાત પણ અમુક રાજ્યોમાં કરવામાં આવી રહી છે ત્યારે વધુ એક વિવાદ સામે આવ્યો છે.
હિમાચલનાં મંડીથી ભાજપ સાંસદ અને અભિનેત્રી કંગના રનૌતની ફિલ્મ ઈમરજન્સીની રિલીઝને લઈને મુશ્કેલીઓ વધી રહી છે. પંજાબ હરિયાણા હાઈકોર્ટમાં અરજી દાખલ કરીને ફિલ્મની રીલીઝ અટકાવવાની માંગણી કરવામાં આવી હતી. અરજીની સુનાવણી દરમિયાન સેન્સર બોર્ડે સ્પષ્ટ કર્યું છે કે આ ફિલ્મને હજુ સર્ટિફિકેટ આપવામાં આવ્યું નથી. હાઇકોર્ટમાં સુનવણી દરમિયાન બોર્ડે આ માહિતી આપી હતી.
ફિલ્મ અભિનેત્રી અને સાંસદ કંગના રનૌત વિરૂદ્ધ ફિલ્મ ‘ઇમરજન્સી’માં કથિત રીતે ઐતિહાસિક તથ્યોને ખોટી રીતે રજૂ કરવા અને શીખોની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવા બદલ ક્રિમિનલ કેસ નોંધવાની માંગણી કરવામાં આવી હતી. કલમ 302, 299, 196 પાર્ટ વન, 197 પાર્ટ વન બીએનએસ હેઠળ એરિયા મેજિસ્ટ્રેટમાં કેસ નોંધવામાં આવ્યો છે. તે જ સમયે, કેસની આગામી તારીખ 17 સપ્ટેમ્બર 2024 નક્કી કરવામાં આવી હતી.
કેસ દાખલ કરનાર ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશન ચંદીગઢના પૂર્વ પ્રમુખ અને લોયર્સ ફોર હ્યુમેનિટીના આચાર્ય એડવોકેટ રવિન્દર સિંહે જણાવ્યું હતું કે કંગના રનૌત દ્વારા બનાવવામાં આવેલી ફિલ્મ ‘ઇમરજન્સી’માં સર્વોચ્ચ શ્રી અકાલ તખ્ત સાહિબને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, જે પવિત્ર સ્થળ છે. શીખોનું સ્થાન છે.
તેમણે વધુમાં કહ્યું કે, જથેદાર સંત જરનૈલ સિંહ ભિંડરાનવાલેને આતંકવાદી તરીકે રજૂ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, જે સંપૂર્ણપણે પાયાવિહોણો છે કારણ કે તેમની સામે આવી કોઈ એફઆઈઆર નથી. શ્રી આનંદપુર સાહિબ ઠરાવને લાગુ કરવા માટે ધર્મયુદ્ધ મોરચાની રચના કરવામાં આવી હતી અને સરકારે તેને ખોટી રીતે લીધો હતો અને શ્રી હરમંદિર સાહિબ પર હુમલો કર્યો હતો અને ત્યાં નિર્દોષ લોકો માર્યા ગયા હતા, આ દરમિયાન તત્કાલીન જથેદાર જરનૈલ સિંહ ભિંડરાવાલે પણ શહીદ થયા હતા.