ત્રણ કરોડની છેતરપિંડી કરનારા ચાર સ્વામી-ટોળકીને પકડવા ઠેર-ઠેર દરોડા
જૂનાગઢ, અરવલ્લી સહિતના સ્થળોએ ટીમ દોડી છતાં આઠમાંથી કોઈ હાથ ન લાગ્યું
ટોળકીએ એક જ મોડસ ઓપરેન્ડીથી અલગ-અલગ લોકો સાથે દસેક કરોડથી છેતરપિંડી કર્યાનો ઘટસ્ફોટ
રાજકોટના જમીન લે-વેચના ધંધાર્થી સાથે ત્રણ કરોડની છેતરપિંડી આચરનારા વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના ચાર સ્વામી સહિત આઠ લોકોની ટોળકી સામે ગુનો નોંધાતાં જ પોલીસ દ્વારા ચારેય બાજુ શોધખોળ શરૂ કરી દેવામાં આવી છે. આ અંગેની ફરિયાદ ભક્તિનગર પોલીસ મથકમાં નોંધાતાં પોલીસ કમિશનર દ્વારા આ ગુનાની તપાસ આર્થિક ગુના નિવારણ શાખાને સોંપવામાં આવ્યા બાદ અલગ-અલગ ટીમ બનાવીને જૂનાગઢ, અરવલ્લી સહિતના સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા પરંતુ આઠમાંથી એક પણ હાથ લાગ્યો ન હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ અંગે વધુમાં જાણવા મળતી વિગતો પ્રમાણે જસ્મીન બાલાશંકરભાઈ માઢક (ઉ.વ.૪૫)એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેની સાથે વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ વિજયપ્રકાશ સ્વામી ઉર્ફે વી.પી.સ્વામી, જયકૃષ્ણ સ્વામી ઉર્ફે જે.કે.સ્વામી, માધવપ્રિય સ્વામી ઉર્ફે એમ.પી.સ્વામી, દેવક્રમાશ સ્વામી ઉર્ફે ડી.પી.સ્વામી ઉપરાંત વિજય ઘોરી, લાલજી ઢોગલા, ભૂપેન્દ્ર શનાભાઈ પટેલ, વિજયસિંહ ચૌહાણ દ્વારા દહેગામ પાસે આવેલા લીંબ ગામની ૧૦ વિઘા જમીન ઉપર મોટી ગૌશાળા અને પોઈચા જેવું ભવ્ય મંદિર બનાવવાના નામે જમીનનો સોદો કરાવ્યો હતો અને સોદાની સૂથી તેમજ સાટાખાટ પેટેની ત્રણ કરોડની રકમ હજમ કરી ગયા હતા.
આ ટોળકી દ્વારા બોગસ ખેડૂત પણ ઉભો કરવામાં આવ્યો હતો અને આખોયે સોદો જ બનાવટી કર્યો હતો. જો કે આ જમીનના સોદાના બદલામાં જસ્મીનને સારું એવું વળતર મળશે તેવી લાલચ પણ અપાઈ હતી. તપાસમાં ખુલ્યા પ્રમાણે ટોળકીના અલગ-અલગ સભ્યોએ આ જ મોડસ ઓપરેન્ડીથી અન્ય લોકો સાથે દસેક કરોડની છેતરપિંડી હોવાનું પણ ખુલ્યું છે.
જો કે ગુનો નોંધાયાની જાણ થતાં જ આખી ટોળકી ભૂગર્ભમાં ઉતરી જતાં પોલીસે તેમને પકડવા અલગ-અલગ દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.