મુંબઈની મુલાકાતે ગયેલા વડાપ્રધાન મોદીએ ગ્લોબલ ફિનટેક ફેસ્ટ 2024ના સંબોધનમાં વિપક્ષને ટોણો માર્યો
જયારે મા સરસ્વતી બુદ્ધી વહેંચી રહ્યા હતા ત્યારે કેટલાંક લોકો રસ્તામાં ઉભા હતા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુંબઈનાં Jio કન્વેન્શન સેન્ટરમાં આયોજિત ગ્લોબલ ફિનટેક ફેસ્ટ 2024નાં પોતાના સંબોધનમાં ભારતમાં ફિનટેક ક્રાંતિનો ઉલ્લેખ કર્યો હતો. વડા પ્રધાને ફિનટેક ક્રાંતિ પર સવાલો ઉઠાવનારા નેતાઓ પર કટાક્ષ કર્યો અને કહ્યું કે આ લોકો કહેતા હતા કે ભારતમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર નથી. જ્યારે માતા સરસ્વતી બુદ્ધિ વહેંચી રહ્યા હતા ત્યારે આવા લોકો રસ્તામાં ઉભા હતા.
સંબોધનની શરૂઆત કરતા વડા પ્રધાને કહ્યું કે આજે સપનાના શહેર મુંબઈમાં ગ્લોબલ ફિનટેક ફેસ્ટિવલ યોજાઈ રહ્યો છે. એક સમય હતો જ્યારે લોકો ભારતમાં આવતા હતા અને આપણી સાંસ્કૃતિક વિવિધતા જોઈને આશ્ચર્ય પામતા હતા. હવે જ્યારે લોકો ભારતમાં આવે છે, ત્યારે તેઓને આપણી ફિનટેકની વિવિધતા જોઈને આશ્ચર્ય થાય છે. એરપોર્ટ પર ઉતરવાથી માંડીને ખરીદી કરવા સુધી, ભારતની ફિનટેક ક્રાંતિ દરેક જગ્યાએ દેખાઈ રહી છે. છેલ્લા 10 વર્ષમાં ફિનટેક સેક્ટરમાં $31 બિલિયનનું રોકાણ કરવામાં આવ્યું છે.
વડાપ્રધાને ભારતમાં સસ્તા મોબાઈલ ફોન, ડેટા અને ઝીરો બેલેન્સ જનધન બેંક ખાતાનો ઉલ્લેખ કર્યો અને પછી વિપક્ષ પર નિશાન સાધ્યું. તેમણે કહ્યું, “તમને યાદ હશે કે પહેલા કેટલાક લોકો સંસદમાં ઉભા રહીને પૂછતા હતા, જે લોકો પોતાને ખૂબ જ વિદ્વાન માનતા હતા તેઓ પૂછતા હતા. જ્યારે માતા સરસ્વતી જ્ઞાન વહેંચી રહી હતી, ત્યારે તેઓ રસ્તા પર ઉભા હતા. તેઓ કહેતા હતાં કે ભારતમાં એટલી બધી બેંક શાખાઓ, ઇન્ટરનેટ અને બેંકો નથી, તેઓએ તો એમ પણ કહેતા હતાં કે ભારતમાં વીજળી નથી.”
વડા પ્રધાન મોદીએ વધુમાં કહ્યું, “તેઓ કહેતા હતા કે ફિનટેક ક્રાંતિ કેવી રીતે થશે. મારા જેવા ચા વેચનારાને આ પૂછવામાં આવ્યું. પરંતુ આજે જુઓ, માત્ર એક દાયકામાં ભારતમાં બ્રોડબેન્ડ વપરાશકર્તાઓ 6 કરોડથી વધીને 94 કરોડ થઈ ગયા છે. આજે 18 વર્ષથી વધુ ઉંમરનો ભાગ્યે જ કોઈ ભારતીય હશે જેની પાસે ડિજિટલ ઓળખ નથી એટલે કે છેલ્લા 10 વર્ષમાં 53 કરોડથી વધુ લોકો બેંકિંગ સિસ્ટમ સાથે જોડાયેલા છે.’
તેમણે કહ્યું કે અમે સાયબર ફ્રોડ બંધ કરી દીધું છે. બેંકિંગ હવે દરેક ગામડામાં ફેલાઈ ગયું છે. ફિનટેકે નાણાકીય સેવાઓનું લોકશાહીકરણ કર્યું છે. આજે, સેંકડો સરકારી યોજનાઓનો લાભ ડિજિટલ માધ્યમથી ઉપલબ્ધ થઇ શકે છે. તેમણે કહ્યું કે આપણી બેંકિંગ સિસ્ટમ કોરોનાના પ્રતિકૂળ સમયમાં પણ કામ કરતી રહી. કરેંસી થી QR કોડ સુધીની સફરમાં સદીઓ લાગી પરંતુ હવે આપણે દરરોજ નવી વસ્તુઓ જોઈ રહ્યા છીએ.