મમતા બેનરજી સામે કોણે શું કરી ફરિયાદ ? વાંચો
‘પશ્ચિમ બંગાળ સળગશે તો આસામ, બિહાર, ઓડિશા, ઝારખંડ અને દિલ્હી પણ સળગશે’નું નિવેદન આપનાર મુખ્યમંત્રી મમતા બેનરજીનો ભારે વિરોધ થઈ રહ્યો છે. મમતાના નિવેદન મામલે ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓએ ટીકા કરી છે, તો બીજીતરફ સુપ્રીમ કોર્ટના વકીલ વિનીત જિંદલે બંગાળના મુખ્યમંત્રી વિરુદ્ધ દિલ્હીમાં ફરિયાદ નોંધાવી છે. જિંદલે દિલ્હી પોલીસ કમિશનરને પત્ર લખીને ફરિયાદ નોંધાવી છે.
બુધવારે કોલકાતામાં ટીએમસીના વિદ્યાર્થી સંગઠનના સ્થાપના દિનના કાર્યક્રમને સંબોધતા મમતાએ આરોપ લગાવ્યો હતો કે, ભાજપ પશ્ચિમ બંગાળને સળગાવવા માગે છે. તેમણે કેન્દ્રની મોદી સરકાર પર નિશાન સાધતા ચેતવણી આપી હતી કે, જો બંગાળને સળગાવવામાં આવ્યું તો આસામ, ઉત્તરપૂર્વ, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, ઓડિશા અને દિલ્હી પણ સળગશે, અમે ખુરશી પાડી નાખીશું.
ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓએ મમતા બેનરજીના નિવેદનનો વિરોધ કર્યો છે. આસામના મુખ્યમંત્રી હેમંતા બિસવા સર્મા, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, ઓડિશાના મુખ્યમંત્રી મોહન ચરણ માઝી, મણિપુરના મુખ્યમંત્રી એન.બિરેન સિંહ અને બિહારના નાયબ મુખ્યમંત્રી વિજય કુમાર સિંહાએ મમતાની ટિપ્પણીનો વિરોધ કર્યો હતો.