@વરસાદ: ટ્રેન-બસ-પ્લેન ત્રણેયને અસર અનેક રૂટ કેન્સલ-અનેક ટૂંકાવાયા
એસ.ટી.ના ૪૭૦ રૂટની ૧૦૮૫ ટ્રીપ રદ્દ: વધુ બે દિવસ માટે મોરબી-વાંકાનેર, વાંકાનેર-મોરબી ડેમુ ટ્રેન નહીં દોડે: ઓખા-નાથદ્વારા, ઓખા-પુરી, વેરાવળ-ઓખા એક્સપ્રેસ ટ્રેન કેન્સલ: એરપોર્ટ ઉપર મુંબઈ-દિલ્હીની ત્રણ ફ્લાઈટ મોડી
રાજકોટમાં ભારે વરસાદ પડી રહ્યો હોવાથી તેની અસર જનજીવનની સાથે જ રેલ, બસ, હવાઈ સેવાને પણ પડી રહી છે. એકંદરે વરસાદને કારણે બસ-ટ્રેનના અનેક રૂટ કેન્સલ કરવામાં આવ્યા છે તો અનેકને ટૂંકાવી નાખવામાં
આવ્યા છે.ટ્રેનની વાત કરવામાં આવે તો આજે અને આવતીકાલે એમ બે દિવસ માટે વાંકાનેર-મોરબી અને મોરબી-વાંકાનેર વચ્ચે દોડનારી દસ ડેમુ ટ્રેનને રદ્દ કરવામાં આવી છે. આ ઉપરાંત બુધવારની ઓખા-નાથદ્વારા, ઓખા-પુરી, વેરાવળ-ઓખા એક્સપ્રેસ ટ્રેન રદ્દ કરાઈ હતી તો આજે ઉપડનારી નાથદ્વારા-ઓખા સૌરાષ્ટ્ર એક્સપ્રેસને પણ રદ્દ કરવામાં આવી હતી. આ નિર્ણય રાજકોટ તેમજ વડોદરા ડિવિઝનમાં ભારે વરસાદ અને પાણી ભરાઈ જવાને કારણે લેવામાં આવ્યો હતો. આ ઉપરાંત હાપા-નાહરલગુન સ્પેશ્યલ ટ્રેનને વાયા આણંદ-ડાકોર-ગોધરાના રસ્તે ડાયવર્ટ કરવામાં આવી હતી તો ઓખા-ભાવનગર એક્સપ્રેસને ખંભાળિયાથી શોર્ટ ઓરિજિનેટ કરી હતી. એકંદરે આ ટે્રન ઓખા-ખંભાળયા વચ્ચે આંશિક રીતે રદ્દ કરાઈ હતી.
ફ્લાઈટની વાત કરવામાં આવે તો ઈન્ડિગો એરલાઈન્સની બે અને સાંજે ૫:૨૦ વાગ્યે આવનારી એર ઈન્ડિયાની મુંબઈની ફ્લાઈટ સહિત ત્રણ ફ્લાઈટ પોણો કલાક મોડી પડી હતી.
એસ.ટી. વ્યવહારને પણ ભારે અસર પહોંચી હોય તેમ બસના ૪૭૦ રૂટની ૧૦૮૫ ટ્રીપ રદ્દ કરવામાં આવી હતી.