એસસી એસટી એક્ટ અંગે સુપ્રીમ કોર્ટે શું કહ્યું ? જુઓ
સુપ્રીમ કોર્ટે શુક્રવારે એક મહત્વનો ચુકાદો આપ્યો હતો. આ ચુકાદો આપતા સર્વોચ્ચ અદાલતે કહ્યું કે એસસી-એસટી સમુદાયથી આવનારા કોઈપણ વ્યક્તિને તેની જાતિનો ઉલ્લેખ કર્યા વિના અપમાનિત કરવાની ઘટનાને એસસી-એસટી એક્ટ 1989ની કડક જોગવાઈ હેઠળ અપરાધ માનવામાં આવશે નહીં. જસ્ટિસ જે બી પારદીવાલા અને મનોજ મિશ્રાની બેન્ચે એક ઓનલાઈન મલયાલમ સમાચાર ચેનલના સંપાદક સાજન સ્કારિયાને આગોતરા જામીન આપતા આ ચુકાદો આપ્યો હતો.
સ્કારિયા સામે એસસી-એસટી એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. તેમના પર આરોપ છે કે, તેમણે એસસી સમુદાયમાંથી આવનારા સીપીએમ ધારાસભ્ય શ્રીનિજનને ‘માફિયા ડોન’ કહ્યો હતો. ટ્રાયલ કોર્ટ અને કેરળ હાઇકોર્ટે તેમને આગોતરા જામીન આપવાનો ઈનકાર કરી દીધો હતો.
સંપાદક તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ સિદ્ધાર્થ લુથરા અને ગૌરવ અગ્રવાલની દલીલોને કોર્ટે સ્વીકારી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, એસસી-એસટી સમુદાયના કોઈપણ સદસ્યનું જાણી જોઈને કરવામાં આવેલું અપમાન અથવા ધમકી જાતિ આધારિત અપમાનની ભાવના ઉત્પન્ન નથી કરતી.
સુપ્રીમ કોર્ટે આગળ કહ્યું કે, અમારા અભિપ્રાયમાં પ્રથમ દ્રષ્ટિએ એવું કંઈ પણ નથી કે, જે એ સંકેત આપે કે, સ્કારિયાએ યુટ્યુબ પર વિડિયો પ્રસારિત કરીને અનુસૂચિત જાતિ અથવા અનુસૂચિત જનજાતિના સદસ્યો વિરુદ્ધ દુશ્મની નફરત અથવા દુર્ભાવનાની ભાવનાને પ્રોત્સાહન આપ્યું હોય. વીડિયોને એસસી અથવા એસટીના સદસ્યો સાથે સામાન્ય રીતે કોઈ લેવા-દેવા નથી તેમનો ટાર્ગેટ માત્ર શ્રીનિજન હતા.