- પરિવાર સાથે એક વિદેશ પ્રવાસ પોતાના ખર્ચેકર્યો: પરિવારજનોના નામે ત્રણ પેટ્રોલપંપ
- સાગઠિયાએ આચરેલા 28 કરોડના ભ્રષ્ટાચાર મુદ્દે800 પાનાનું ચાર્જશીટ રજૂ કરતું એસીબી
ટીઆરપી ગેઈમ ઝોન અગ્નિકાંડમાં જેની સૌથી મોટી ભૂમિકા છે તે મહાપાલિકાના તત્કાલિન ટાઉન પ્લાનિંગ ઓફિસર એમ.ડી.સાગઠિયા અત્યારે જેલની હવા ખાઈ રહ્યો છે. સાગઠિયા સામે ક્રાઈમ બ્રાન્ચે બે ગુનાનું ચાર્જશીટ કોર્ટમાં રજૂ કર્યા બાદ હવે એન્ટી કરપ્શન બ્યુરો (એસીબી) દ્વારા સાગઠિયાએ આચરેલા ૨૮ કરોડના ભ્રષ્ટાચારના કેસમાં પણ ૮૦૦ પાનાનું ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરી દીધું છે. પ્રારંભીક રીતે એવો ખુલાસો થવા પામ્યો છે કે સાગઠિયાએ મહાપાલિકાના ખર્ચે પોતાના પરિવારને બે દેશની સહેલગાહ કરાવી હતી. આ ઉપરાંત પરિવાર સાથે એક વિદેશ પ્રવાસ તેણે પોતાના ખર્ચે કર્યો હોવાનો ઉલ્લેખ ચાર્જશીટમાં કરાયો છે તો સાગઠિયાના પરિવારજનોના સામે અલગ-અલગ સ્થળ સ્થળે પેટ્રોલપંપ હોવાનું પણ જણાવાયું છે.
આ અંગે સૂત્રો પાસેથી જાણવા મળતી વિગતો મુજબ એસીબી દ્વારા તત્કાલિન ટીપીઓ એમ.ડી.સાગઠિયાની મિલકતોની તપાસ કરતાં ૨૮ કરોડની બેનામી મિલકત મળી આવી હતી. આ પછી અગ્નિકાંડના કેસની તપાસ દરમિયાન સાગઠિયા વિરુદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ અલગથી ગુનો નોંધાયો હતો. આ કેસની તપાસ દરમિયાન પણ સાગઠિયાના પરિવારજનોના નામે મોટાપાયે મિલકતો મળી આવી હતી જેના પગલે ધરપકડના ડરથી સાગઠિયાના પરિવારજનોએ કોર્ટમાં આગોતરા જામીન પણ માંગ્યા છે જેની સુનાવણી આગામી તા.૨૯ ઑગસ્ટે થશે. સાગઠિયા વિરુદ્ધના આ કેસમાં મિલકતોની કિંમત કરોડો રૂપિયા થતી હોવાથી સ્થિતિની ગંભીરતાને ધ્યાને લઈને સરકારે આ કેસ માટે જિલ્લા સરકારી વકીલ સંજય કે.વોરાને સ્પેશ્યલ પબ્લીક પ્રોસિક્યુટર તરીકે નીમ્યા છે. દરમિયાન એસીબી દ્વારા સાગઠિયા વિરુદ્ધ ૮૦૦ પાનાનું ચાર્જશીટ રજૂ કરવામાં આવ્યું છે ત્યારે આવનારા દિવસોમાં આ મુદ્દે વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે.
