કાલાવડ રોડ પરના બુલ્સ કાફેમાં ચાલતી જુગાર ક્લબ પર દરોડો : 6 પકડાયા
અંબિકાટાઉન શીપમાં ડોક્ટરની પ્રેક્ટિસ કરતાં યુવકના ફ્લેટમાં પતા ટીચતા 5 અને મોરબી રોડ પર ધરતી ટીમ્બરના ડેલામાં વેપારી સહીત 7ને દબોચ્યા : કુલ 1.35 લાખની રોકડ જપ્ત
જન્માષ્ટમીનો તહેવાર આવતાની સાથે જ ઠેર-ઠેર જુગાર રમવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. ત્યારે હવે તો કેફેમાં પણ જુગારની ક્લબ ચાલવા લાગી છે.અને પોલીસને ધ્યાને આવતા જ તેમના દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. જેમાં યુનિવર્સિટી પોલીસે કાલાવડ રોડ પરના બુલ્સ કેફેમાં ચાલતી જુગાર ક્લબ પર ક્રાઇમ બ્રાન્ચે અંબિકાટાઉન શીપમાં ડોક્ટરની પ્રેક્ટિસ કરતાં યુવકના ફ્લેટમાં અને બી ડિવિઝન પોલીસે મોરબી રોડ પર ધરતી ટીમ્બરના ડેલામાં દરોડા પાડી 18ને પકડી કુલ રૂ.1.35 લાખની રોકડ જપ્ત કરી છે.
પ્રથમ દરોડાની માહિતી મુજબ કાલાવડ રોડ પર મટુકી રેસ્ટોરન્ટ પાસે આવેલા બુલ્સ કાફેમાં જુગાર ક્લબ ચાલતી હોવાની યુનિવર્સિટી પોલીસના એ. એસ.આઇ.સમીર શેખને બાતમી મળતા સ્ટાફ સાથે બુલ્સ કાફેમાં દરોડો પાડી રૂમમાં જુગાર રમતા સંચાલક રામ લાખાભાઇ ખુંટી,કોઠારીયા રોડ દેવપરાના કેટરર્સના ધંધાર્થી રામ કિશોર અજાણી,યુનિવર્સિટી રોડ પંચાયત ચોક પાસે નંદનવન સોસાયટીમાં રહેતા અને બોકસ ક્રિકેટ ચલાવતા અંકીત રતનસીભાઇ કાનાણી, કાલાવડ રોડ રવીપાર્કના વિશાલ પ્રવિણભાઇ પઢીયાર, યુનિવર્સિટી નં. ૨૧૬ ના હાર્દિક હસમુખભાઈ સીણોજીયા, અટલ સરોવર સામે ક્રીસ્ટલ એવન્યુ એપાર્ટમેન્ટના મોહંમદઝૈદ ઇરફાન અહેમદ પીરઝાદાને પકડી રૂા. ૧૬૫૦૦ની રોકડ સહિતની મતા કબ્જે કરી હતી.
બીજો દરોડો ક્રાઇમ બ્રાન્ચની ટીમે અંબીકા ટાઉનશિપમાં શ્રી દર્શન વાટીકા ફલેટ નં ૧૦૩માં પાડી ડોક્ટરની પ્રેક્ટિસ કરતાં ફલેટ માલીક પ્રશાંત ભરત સોલંકી, રાકેશ રણછોડ સાવલીયા, દીપ દીનેશ કાજીયા, જય નિલેશ ભલાણી અને વિશાલ ચંદુભાઇ વડાલીયાને પકડી લઇ રૂા. ૬૪૩૫૦ ની રોકડ સહિતની મત્તા કબ્જે કરી હતી.ત્રીજો દરોડો મોરબી રોડ લાલપરી મફતીયાપરા શીવાજીનગરમાં આવેલ ધરતી ટિમ્બર નામના ડેલામાં બી ડિવિઝન પોલીસે પાડી સંચાલક મગન વેલજીભાઈ પાનસુરીયા,નિલેશ રાઘવભાઈ પાનસુરીયા, અશ્વીન મકનભાઇ નાથાણી, અંકુર ભનુભાઇ અકબરી, ધ્રુવીલ ઘેલાભાઈ નાથાણી, નક્ષીત શૈલેષભાઇ રામાણી અને સંદીપ બળેલીયાને પકડી લઇ રૂા. પર,૭૦૦ ની રોકડ જપ્ત કરી હતી.