એરપોર્ટ પર વૃદ્ધ પાસેથી ૬ જીવતાં કારતૂસ મળતાં જ થઈ પડી દોડધામ !
સૂરતનો પરિવાર કાર મારફતે દ્વારકા ગયા બાદ વૃદ્ધની તબિયત બગડતાં સુરતની ફ્લાઈટ પકડી’ને કારતૂસ મળ્યા
રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ ઉપર વૃદ્ધ પાસેથી ૬ જીવતાં કારસૂત મળી આવતાં સીઆઈએસએફ અને પોલીસ સ્ટાફમાં દોડધામ થઈ પડી હતી.
આ અંગે વધુમાં જાણવા મળતી વિગતો પ્રમાણે સુરતમાં રહેતાં વૃદ્ધ હિંમતભાઈ સવાણી સપરિવાર કાર મારફતે દ્વારકા દર્શનાર્થે ગયા હતા. જો કે તે દરમિયાન હિંમતભાઈની તબિયત બગડતાં તેમને તાત્કાલિક રાજકોટ એરપોર્ટ પહોંચાડયા હતા અને અહીંથી સુરતની ફ્લાઈટ પકડી હતી. જો કે ફ્લાઈટમાં ચડે તે પહેલાં જ ચેકિંગ દરમિયાન ૬ જીવતાં કારતૂસ મળી આવતાં સ્ટાફે તેમને ફ્લાઈટમાં ચડતાં અટકાવ્યા હતા જેના કારણે હિંમતભાઈ ફ્લાઈટ ચૂકી ગયા હતા.
આ પછી એરપોર્ટ પોલીસ મથકને જાણ કરવામાં આવતાં સ્ટાફ દોડી આવ્યો હતો અને હિંમતભાઈને પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા. આ વેળાએ હિંમતભાઈનો પરિવાર પણ પોલીસ મથકે આવી પહોંચ્યો હતો. પોલીસને હિંમતભાઈએ જણાવ્યું કે તેમની પાસે પરવાનાવાળું હથિયાર છે જે તેઓ તબિયત બગડવાને કારણે ગાડીમાં જ ભૂલી ગયા હતા અને ભૂલથી ૬ કારતૂસ તેમની પાસે રહી ગયા હતા.
ત્યારબાદ તેમણે જરૂરી તમામ પૂરાવા રજૂ કરી દેતાં પોલીસ દ્વારા નિવેદન નોંધી તેમને જવા દેવામાં આવ્યા હતા. જો કે આ બધાને કારણે તેઓ ફ્લાઈટની જગ્યાએ કારમાં જ સુરત જવા રવાના થયા હોવાનું જાણવા મળી રહ્યું છે.