કલેકટર કચેરીમાં માથાફરેલા શખ્સની ધમાલ
પહેલા માળેથી કૂદકો મારવા પ્રયાસ કરતા પોલીસને હવાલે કરાયો
રાજકોટ : રાજકોટ કલેકટર કચેરીના કમ્પાઉન્ડમાં તેમજ કમ્પાઉન્ડ બહાર પડયા પાથર્યા રહેતા માથાફરેલ શખ્સે કલેકટર કચેરીમાં અંદર ઘુસી ધમાલ મચાવી પહેલા માળેથી કુદકો મારવાનો પણ પ્રયાસ કરી કચેરીમાં હોહા અને દેકારો કરી મુક્તા સિક્યુરિટી સ્ટાફે આ શખ્સને પકડી પોલીસને હવાલે કર્યો હતો.
ગોંડલના જમીન કેસના વિવાદમાં છેલ્લા ઘણા વર્ષોથી કલેકટર કચેરીમાં ધરણા કરી ઉચ્ચ અધિકારીઓને જેમફાવે તેમ જાહેરમાં ભાંડવાની ટેવ ધરાવતા અનીલ ઓઝા નામના વ્યક્તિએ કલેકટર કચેરીમાં તોડફોડ કરતા અગાઉ આ શખ્સ વિરુદ્ધ પોલીસ ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે ત્યારે ફરી એકવાર આ અનિલ ઓઝા નામના શખ્સે કલેકટર અને નિવાસી અધિક કલેકટરની ચેમ્બર સુધી ધસી જઈ હોહા અને દેકારો કરી મૂકી બાદમાં પહેલા માળેથી કૂદકો મારવાનો પ્રયાસ કરતા ફરજ ઉપરના સિક્યુરિટી સ્ટાફે અનિલ ઓઝાને પકડી પોલીસને હવાલે કરી દીધો હતો.
