રાજકોટ નજીક વધુ એક પ્રવાસન સ્થળ વિકસાવાશે, ખાતમુહૂર્ત સંપન્ન..
જ્યાં કસ્તુરબા અને મણીબેન પટેલને નજરકેદ કરાયા હતા તેવા સણોસરા દરબારગઢનું 2.77 કરોડના ખર્ચે થશે રિસ્ટોરેશન
સ્વતંત્રતા સંગ્રામ સમયે જ્યા કસ્તુરબા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલના બહેન મણીબેન પટેલને જ્યાં નજર કેદ કરવામાં આવ્યા હતા તેવા 300 વર્ષ જૂનો ઇતિહાસ ધરાવતા સણોસરા ગામના દરબારગઢને રૂપિયા 2.77 કરોડના ખર્ચે રિસ્ટોરેશન કરી અહીં પ્રવાસન સ્થળ વિકસાવવાના મહત્વપૂર્ણ પ્રોજેક્ટનું શનિવારે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
દેશને આઝાદી અપાવવાની લડતમાં અનેક નામી અનામી સ્વતંત્રતા સેનાનીઓનો સોનેરી ઇતિહાસના પન્નાઓ ઉપર કંડારાયેલો છે જેમાં કેટલીક ઘટનાઓની સાચી હકીકત શરતચૂકથી લોકો સુધી પહોંચતી નથી. આવી જ એક ઘટનામાં સ્વતંત્રતા સંગ્રામ સમયે કસ્તુરબા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલના બહેન મણીબેનને નજરકેદ કરવાની ઘટનામાં પણ બન્યું છે, આપણે સૌ આ બન્ને સ્વાતંત્ર્યસેનાનીઓએ કસ્તુરબા ધામ ત્રંબા ખાતે રાખવામાં આવ્યા હોવાનો ઇતિહાસ જાણીએ છીએ પરંતુ હકીકતમાં અંગ્રજ હકુમતે કસ્તુરબા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલના બહેન મણીબેન પટેલને સૌપ્રથમ રાજકોટ તાલુકાના સણોસરા ગામના દરબારગઢમાં નજર કેદ કર્યા હતા પરંતુ તેમના જીવને જોખમ હોવાનું જણાતા બન્નેને ત્રંબા રાખવામાં આવ્યા હતા.
આવી ઐતિહાસિક આઝાદીની લડતના મહત્વપૂર્ણ પ્રસંગને કાયમી યાદગીરીરૂપે સાચવવા સણોસરા ગામના તાલુકા પંચાયતના સદસ્ય ચંદુભાઈ વશરામભાઇ કથીરિયાએ તંત્ર સમક્ષ રજુઆત કરી ગાંધીનગર સુધી પ્રયાસો કરતા સરકારમાંથી લીલીઝંડી મળી હતી પરંતુ બાદમાં ફાઈલ અભેરાઈએ ચડી ગઈ હતી. જો કે, વર્તમાન રાજકોટ તાલુકા પંચાયતના પ્રમુખ અને ચંદુભાઇના પુત્ર ચેતનભાઈ કથીરિયાએ તેમના ગામનું ગૌરવ એવી આ ઐતિહાસિક ધરોહર મામલે સતત અવાજ ઉઠાવી પિતાના માર્ગે રજૂઆતનો દૌર ચાલુ રાખતા અંતે વાંકાનેર ધારાસભ્ય જીતુ સોમાણીના પ્રયત્નોથી અંતે સણોસરા દરબારગઢને 2.77 કરોડના ખર્ચે રીનોવેશન કરવા મંજૂરી મળતા શુક્રવારે દરબારગઢ રિસ્ટોરેશન યોજનાનું ખાતમુહૂર્ત કરાયું હતું.
આ તકે, તાલુકા પંચાયત પ્રમુખ ચેતનભાઈ કથીરિયાએ જણાવ્યુ હતું કે, દરબારગઢ રિસ્ટોરેશન અંતર્ગત કસ્તુરબા અને મણીબેનને જે રૂમમાં રાખવામાં આવ્યા હતા તે સમયે જવો માહોલ હતો તેવો માહોલ ઉભો કરવામાં આવશે અને અહીં આવતા પ્રવાસીઓ માટે બાગ બગીચા સહિતની સુવિધાઓ વિકસાવવામાં આવશે.
આ પ્રસંગે ક્લેક્ટર પ્રભવ જોશીએ જણાવ્યું હતું કે, ૨૦૧૬થી સણોસરા ગામના જાગૃત લોકોએ આ ઐતિહાસિક ઈમારતને સંરક્ષિત કરવા માટે રજૂઆત કરી હતી, આજે આ વારસાના પુનરુત્થાનનું કામ શરૂ થાય છે ત્યારે આગળ પણ ગ્રામલોકો તેને સાચવવા માટે જાગૃત રહે તેમજ તેના સંરક્ષણ સમયે સહકાર આપે તેવી આશા વ્યક્ત કરી હતી. જિલ્લા વિકાસ અધિકારી નવનાથ ગવ્હાણેએ કાઠીયાવાડ વિસ્તારની વિશિષ્ટતા અને પૌરાણિકતાને યાદ કરતા કહ્યું હતું કે કાઠીયાવાડ વિસ્તાર હિમાલય કરતા પણ પુરાણો વિસ્તાર છે અહીં દરેક વિસ્તારમાં ઐતિહાસિક વિરાસત જોવા મળે છે ત્યારે તેની સાચવવાની જવાબદારી આપણા સૌની છે. તેમણે આ ઈમારતના પુનઃસંરક્ષણમાં સૌને ઉત્સાહથી જોડાવા હાકલ કરી હતી.