તમે ખુરશીમાં બેસવાને લાયક નથી..એમ કહીને મહિલા પોલીસની ખુરશી ખેંચી લીધી
ભુજમાં ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીની પત્રકાર પરિષદમાં બન્યો બનાવ
એ.ડિવિઝનમાં નોંધાઈ ફરિયાદ : ગૃહમંત્રીએ કડક કાર્યવાહીનો આપ્યો આદેશ
ભુજમાં બનેલી એક ઘટનામાં બનાસકાંઠા જિલ્લાનાં કોંગ્રેસના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીની પત્રકાર પરિષદમાં એક કાર્યકરે આઈ.બી.ના મહિલા કર્મચારીને તમે ખુરશીમાં બેસવા લાયક નથી તેમ કહીને ખુરશી ખેંચી લેતા તેઓ નીચે પટકાયા હતા અને ઈજા પહોંચી હતી. આ અંગે પ્રદેશ કિસાન મોરચાનાં કન્વીનર હરેશ આહીર સામે ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, જીજ્ઞેશ મેવાણીની પત્રકાર પરિષદમાં હાજર રહેલા આઈ.બી.નાં મહિલા કર્મચારી ખુરશીમાં બેસવા જતા હતા ત્યારે પ્રદેશ કિસાન મોરચાનાં કન્વીનર અને એડવોકેટ હરેશ આહિરે તેમની ખુરશી ખેંચી લીધી હતી અને તેને લીધે મહિલા પોલીસ કર્મચારી નીચે પટકાયા હતા. તેમને કરોડરજ્જુમાં અને કમરમાં ઈજા પહોંચી હતી.
આ ઘટના પછી તેઓએ એટ્રોસિટી એક્ટ. ફરજમાં રુકાવટ સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધાવી હતી. આ બનાવની તપાસ ડીવાય. એસ.પી.ને સોંપવામાં આવી છે.
દરમિયાન ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આ મામલાને ગંભીર ગણીને કડક પગલા ભરવા આદેશ આપ્યો છે.