ઉત્તર-દક્ષિણ ગુજરાતમાં મેઘો ધોધમાર
સાંજના 6 વાગ્યા સુધીમાં રાજ્યના 215 તાલુકાઓમાં વરસાદ : સૌથી વધુ તાપીના ડોલવણમાં 4 ઈંચ
હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે આજે વહેલી સવારથી સાંજે 6 વાગ્યા સુધી રાજ્યના 215 તાલુકામાં નોંધપાત્ર વરસાદ ખાબક્યો હતો, શનિવારે રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં છુટાછવાયા વિસ્તારોમાં વરસાદની આવન-જાવન વચ્ચે ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં મેઘો ધોધમાર વરસ્યો હતો અને સૌથી વધુ વરસાદ તાપીના ડોલવણમાં 4 ઈંચ વરસાદ નોંધાયો હતો.
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર, તાપીના ડોલવણમાં 90 મીમી, વલસાડના કપરાડામાં 88 મીમી, નવસારીના વાંસદામાં 86 મીમી, ધરમપુરમાં 83 મીમી, વઘઈમાં 78 મીમી, ખેરગામમાં 77 મીમી, ચીખલીમાં 70 મીમી, પારડીમાં 64 મીમી, વાલોદમાં 63 મીમી, વલસાડમાં 61 મીમી, વ્યારામાં 50 મીમી, ગણદેવીમાં 51મીમી, નવસારીમાં 46 મીમી, સુરતના મહુવામાં 40 મીમી, બોટાદના રાણપુરમાં 27 મીમી, પાલીતાણામાં 25 મીમી, ભાવનગરના મહુવામાં 24મીમી, વલસાડના કપરાડામાં 24 મીમી, વરસાદ વરસ્યો હતો.
વહેલી સવારથી સાંજ સુધીમાં રાજ્યના 46 તાલુકામાં 1 ઈંચથી વધુ, 15તાલુકામાં 2 ઈંચથી વધુ અને 6 તાલુકામાં 3 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. જે પૈકી સૌથી વધુ વરસાદ તાપી જિલ્લાના ડોલવણમાં 90 મિ.મી., કપરાડામાં 88 મિ.મી., વાંસદામાં 86 મિ.મી., ખેરગામમાં 77 મીમી વરસાદ વરસ્યો હતો. ઉલ્લેખનીય છે કે, આજે પણ હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક તાલુકાઓમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
