જેતપુરમાં રહેતી ત્યકતાને લગ્નનું વચન આપી તેણીના પરિવારને વિશ્ર્વાસમાં લઈ ગઠીયાએ રૂા.3.71 લાખ પડાવી લીધા બાદ લગ્નના દિવસે ભાગી જતાં જેતપુર ઉદ્યોગનગર પોલીસે ગુનો નોંધી ગઠિયાને સકંજામાં લીધો છે.
વિગતો મુજબ, જેતપુરમાં રહેતી મહિલાએ પોતાની ફરિયાદમાં મુળ સુત્રાપાડાના પંચવડા ગામે રહેતા ભરત ભીષ્માભાઈ જાદવનું નામ આપતાં જણાવ્યું હતું કે તેમના જેતપુરમાં રહેતા બનેવીને ત્યાં ભરત અવારનવાર આવતો હોય જેથી તેમની સાથે ઓળખાણ થઈ હતી અને બનેવીએ કહ્યું હતું કે ભરત આવાસ યોજનાના કોન્ટ્રાકટ રાખે છે તેમજ પૈસે ટકે સુખી છે. અને લગ્નની વાત કરી હતી.ત્યારબાદ ભરત અવારનવાર ઘરે આવતો જતો હતો અને બન્ને વ્યક્તિ વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. 2023ના ડિસેમ્બર મહિનામાં ભરતે ઘરે આવી જણાવ્યું હતું કે, પોતે આવાસ યોજનાનું મોટુ કામ મળ્યું હોય જેથી તમને તાત્કાલીક રૂા.3 લાખ આપવાના છે જેથી મહિલાએ તેમના ઘરેણા ભરતને આપ્યા હતાં અને ઘરેણા બેંકમાં મુકી પૈસા ઉપાડી લેશે તેમ જણાવ્યું હતું. તેમજ પૈસાની વ્યવસ્થા થયા બાદ પરત આપી દેશે તેવું વચન આપ્યું હતું. આમ ભરતે મહિલાના પરિવાર પાસેથી કુલ રૂા.3.71 લાખ અલગ અલગ સમયે પડાવ્યા હતાં.
ત્યારબાદ ભરતે કહ્યું હતું કે તમે લગ્નની તૈયારી કરવા લાગજો થોડા સમયમાં આપણે લગ્ન કરી લઈશું.બાદમાં તા.24-2ના રોજ લગ્નના ફેરા ફરવાના હોય તે દિવસે ભરતે બહાનુ કાઢી કે તેમના ભાણીનું એકસીડેન્ટ થયું છે. અને પોતે જૂનાગઢ સિવિલમાં છે.કહી ભાગી ગયો હતો. અને ફોન પણ બંધ કરી દીધો હતો.આમ ભરતે ત્યકતાને લગ્નની લાલચ આપી પૈસા પડાવતા પોલીસે ગુનો નોંધી તેની અટકાયત કરી છે.