નોટરીની ઓફીસ ખોલી બે ભેજાબાજ બની ગયા વકીલ અને તલાટી
સુરતમાં સેંકડો લોકો સાથે કરી છેતરપિંડી
મેરેજ સર્ટીફીકેટ પણ ઇસ્યુ કરતા હતા
યુ ટ્યુબ જોઇને બોગસ સ્ટેમ્પ પેપર બનાવી નાખ્યા હતા
સુરતની વરાછા પોલીસે અમરોલીના વકીલ અને નોટરીના ખોટા સહી સિક્કા બનાવી સાચા તરીકે તેનો ઉપયોગ કરતા કિશોર સહિત બે ઠગોને ઝડપી પાડ્યા છે. આરોપીઓએ યુ ટ્યુબ પર સ્ટેમ્પ પેપર બનાવવાની કળા શીખી ઓફીસ ખોલી નાખી હતી.જે બાદ ૧૧ મહિનામાં હજારો નકલી સ્ટેમ્પ, મેરેજ સર્ટિફિકેટ બનાવી તેનો સાચા તરીકે ઉપયોગ કરી અસંખ્ય લોકોને ઇશ્યુ કર્યા હતા.હાલ આરોપીઓની ધરપકડ કરી ઊંડાણપૂર્વકની તપાસ વરાછા પોલીસે હાથ ધરી છે.
સુરતના અમરોલી ફાયર સ્ટેશન પાસે એલઆઈજી અંબિકા બિલ્ડિંગમાં રહેતા અને વ્યવસાયે વકીલાત કરતા રાકેશ કાંતીલાલ પટેલે અમરોલી પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યાનુસાર, આકાશ કીરીટભાઈ ઘેટીયા અને એક સગીર વયના કિશોર દ્વારા અગાઉથી લોકોને છેતરવાના ઈરાદે પુર્વ આયોજીત કાવતરૂ રચી વકીલ રાકેશ પટેલની જાણ બહાર તેમના નોટરીના તથા અન્ય નોટરીના સરકારી કચેરીના રબ્બર સ્ટેમ્પ બોગસ બનાવી અન્ય લોકોને ઇશ્યુ કરવામાં આવી રહ્યા છે. મશીનમાં ખોટા રબ્બર સ્ટેમ્પના સિક્કાઓ બનાવી ભાડાકરાર,એફીડેવીટ તથા અન્ય ખોટા લખાણો કરી તેમાં સાચા તરીકે ઉપયોગ કરવામાં આવી રહ્યા છે.
વકીલના નામે બનાવેલ ખોટા રબબર સ્ટેમ્પના સિક્કા તેમજ ખોટા નોટરી રજીસ્ટર બનાવી તેમાં નોંધ કરી અને તે લખાણો ખોટા હોવાનું જાણવા છતા સાચા તરીકે ઉપયોગ કરી લોકો જોડે છેતરપિંડી કરવામાં આવી રહી છે.જે ફરિયાદના આધારે પોલીસે તપાસ શરુ કરી હતી અને કિશોર સહિત બે ઠગબબાજોને ઝડપી પાડ્યા હતા.ઝડપાયેલ આરોપીઓએ નોટરીની ઓફીસ ખોલી વકીલ અને તલાટીના બોગસ સિક્કા બનાવ્યા હતા. 11 મહિનામાં હજ્જારો નકલી સ્ટેમ્પ તેમજ મેરેજ સર્ટિફિકેટ ઈશ્યુ કર્યા હતા.જે ગુનામાં 17 વર્ષના સગીર અને 28 વર્ષના પિતરાઈ જાતે જ વકીલ અને તલાટી બની ગયા હતા.જે આરોપીઓએ બોગસ રબ્બર સ્ટેમ્પના સિક્કા અને સ્ટેમ્પ પેપર બનાવવા યુ ટ્યુબ પર સર્ચ કરી કારીગરી કરી હતી.
યુ ટ્યુબ પરથી કલાગીરી શીખી સ્ટેમ્પ પેપર બનાવવા મશીન પણ મંગાવી લીધું હતું.જે મશીન મંગાવી પોતાની જ ઓફિસમાં વકીલ ના સ્ટેમ્પ, કરચેલીયા, બગુમરા અને સોનગઢના લગ્નની નોંધણી ના સિક્કા બનાવી ઇસ્યુ કરાયા હતા.જે સમગ્ર બાબત પોલીસ તપાસમાં સામે આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી.
મહત્વનું છે કે આરોપીઓ ખૂબ જ માસ્ટર માઇન્ડ છે.આરોપીએ બોગસ રબ્બર સ્ટેમ્પના સિક્કા,સ્ટેમ્પ પેપર અને લગ્ન નોંધણી ના અલગ અલગ જિલ્લાના સિક્કા બનાવવામાં પણ માસ્ટરી કરી છે.જેને જોતા અન્ય કોઈ ઇસમોની સંડોવણી ની શંકા પોલીસે વ્યક્ત કરી છે.જ્યાં પોલીસે આરોપીઓના રિમાન્ડ મેળવી આગળની તપાસ હાથ ધરી છે.જે તપાસમાં નવા ખુલાસા બહાર આવે તેવી શક્યતાઓ રહેલી છે.