લાઓસે રામલલ્લા અને ભગવાન બુદ્ધ ઉપર ટપાલ ટિકિટ બહાર પાડી
દક્ષિણ પૂર્વ એશિયાના દેશની મુલાકાતે ગયેલા એસ. જયશંકરે આપી માહિતી
દક્ષિણ પૂર્વ એશિયાના દેશ લાઓસે અયોધ્યાના શ્રી રામલલાની ટપાલ ટિકિટ બહાર પાડી છે. લાઓસે માત્ર રામ લલાની જ નહીં પરંતુ મહાત્મા બુદ્ધની પણ પોસ્ટલ સ્ટેમ્પ બહાર પાડી છે. ભારતના વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે માઇક્રોબ્લોગિંગ સાઇટ X પર આ માહિતી આપી છે. આ સાથે લાઓ પીડીઆર (લાઓ પીપલ્સ ડેમોક્રેટિક રિપબ્લિક) આ અયોધ્યા સ્ટેમ્પ બહાર પાડનારો વિશ્વનો પ્રથમ દેશ બની ગયો છે.
જયશંકર લાઓસની મુલાકાતે છે અને આ અંગે ટ્વીટ કરતી વખતે તેમણે કહ્યું કે, રામાયણ અને બૌદ્ધ ધર્મના આપણા સહિયારા સાંસ્કૃતિક ખજાનાની ઉજવણી માટે એક વિશેષ ટિકિટ સેટ લોન્ચ કરવામાં આવ્યો છે. જયશંકર ASEAN-ભારત મંત્રી સ્તરીય પરિષદ, પૂર્વ એશિયા સમિટના વિદેશ મંત્રીઓની બેઠક અને ASEAN પ્રાદેશિક મંચની બેઠક માટે વિયેતિયાની મુલાકાતે છે. તમને જણાવી દઈએ કે બૌદ્ધ ધર્મના કારણે ભારત અને લાઓસ વચ્ચે સદીઓથી સારા સંબંધો રહ્યા છે.
ભગવાન રામના બાળ સ્વરૂપને દર્શાવતી શ્રી રામ લલાની મૂર્તિ અયોધ્યાના રામ મંદિરની સૌથી મોટી વિશેષતા છે. કાળા પથ્થરથી બનેલી આ પ્રતિમા 22 જાન્યુઆરી 2024ના રોજ મંદિરના ગર્ભગૃહમાં ધામધૂમથી સ્થાપિત કરવામાં આવી હતી.