મમતા બેનર્જી કાયદાની મર્યાદામાંગવર્નર સામે ટિપ્પણી કરી શકે છે : કોલકાતા હાઇકોર્ટે ‘ લીલી ઝંડી ‘ આપી
પશ્ચિમ બંગાળમાં મમતા સરકાર અને ગવર્નર સીવી આનંદ બોઝ વચ્ચેના વિવાદમાં વળી એક નવો વળાંક આવ્યો છે. મમતા બેનર્જી ગવર્નર અંગે ટિપ્પણી કરી શકે કે નહીં એ મુદ્દે થયેલા કાનૂની જંગમાં કલકત્તા હાઇકોર્ટે એક અગત્યનો ચુકાદો આપી કાયદાની મર્યાદામાં રહીને મમતા બેનર્જી ટિપ્પણી કરી શકે છે તેમ જણાવ્યું હતું.
આ મામલાની શરૂઆત પેટા ચૂંટણીમાં વિજેતા થયેલા ટીએમસી ના બે ધારાસભ્યોની શપથવિધિના મુદ્દે થઈ હતી. બેમાંથી એક ધારાસભ્ય મહિલા હતા. ગવર્નરે બંનેની શપથવિધિ રાજભવનમાં કરવાનો આદેશ આપ્યો હતો. મમતા બેનર્જીએ એ આદેશનો વિરોધ કર્યો હતો અને જણાવ્યું હતું કે મહિલાઓ રાજભવનમાં જતા ડરે છે.
તેમની આ ટિપ્પણી બાદ ગવર્નરે હાઇકોર્ટમાં અરજી દાખલ કરી હતી અને તેના પર ચુકાદો આપતા હાઇકોર્ટની સિંગલ જજની બેન્ચએ ગવર્નર બદનક્ષી થાય તેવા અથવા તો ખોટા નિવેદનો આપવા પર સ્ટે લગાવી દીધો હતો.
આ ચુકાદાને મમતા બેનરજી અને અન્યોએ પડકાર્યા બાદ હાઇકોર્ટમાં જસ્ટિસ વિશ્વરૂપ ચૌધરી અને આઈ પી મુખરજીની ખંડપીઠે જણાવ્યું હતું કે વાણી સ્વાતંત્ર્ય અને વિચારોની અભિવ્યક્તિ એ ભારતીય નાગરિકોનો મૂળભૂત અધિકાર છે અને મમતા બેનરજી સહિતના અરજદારોને પણ એ અધિકાર પ્રાપ્ત છે. તેમણે વધુમાં ઉમેર્યું કે લોકોને સત્ય જાણવાનો અધિકાર છે અને સત્ય જ્યારે પ્રજાના હિતમાં હોય ત્યારે તેને ઉજાગર કરવાનો પણ બધાને અધિકાર છે. અદાલતે કહ્યું કે અગાઉ સ્ટે આપતા ચુકાદામાં ક્યા બદ્દનક્ષીભર્યા ઉચ્ચારણોને કારણે સ્ટે આપવામાં આવ્યો તેનો ઉલ્લેખ નહોતો કરવામાં આવ્યો. અદાલતે આ રીતે કાયદાની અને સત્યની મર્યાદામાં રહીને ગવર્નર સામે ઉચ્ચારણો કરવાની મમતા બેનર્જી અને અન્યને છૂટ આપી હતી.