કાવડ યાત્રામાં નવો વિવાદ !! હરિદ્વારમાં યાત્રાના માર્ગ પર આવેલી મસ્જિદ અને દરગાહને ઢાંકી દેવાઇ
ઉત્તર પ્રદેશના હરિદ્વારમાં કાવડિયા યાત્રાના માર્ગ પર આવેલ એક મસ્જિદ અને એક દરગાહ ને સફેદ કપડાં વડે ઢાંકી દેવામાં આવતા વિવાદ થયો હતો. જોકે આ બાબતે ભારે વિરોધ થયા બાદ એ પડદા હટાવી દેવાયા હતા. પોલીસે ભૂલથી આ પગલું લીધા હોવાનો ખુલાસો કર્યો હતો.
શ્રાવણ માસમાં દાયકાઓથી નીકળતી કાવડિયા યાત્રા
આ વખતે અનેક વિવાદો માટે નિમિત બની ગઈ છે. આ અગાઉ યાત્રાના માર્ગ ઉપરની ખાણીપીણીની દુકાનો અને રેકડીઓના માલિકો અને નોકરોના નામ લખવાના ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડ સરકારના આદેશને કારણે વિવાદ થયો હતો. એ પછી વારાણસીમાં આખો શ્રાવણ મહિનો માંસ મટનની દુકાનો બંધ રાખવાના આદેશને મુદ્દે કાનુની જંગ જામ્યો છે. અને હવે હરિદ્વારની આ ઘટનાએ નવો વિવાદ સર્જ્યો છે.
પ્રાપ્ત વિગત મુજબ શુક્રવારે હરિદ્વારના જ્વાલાપુર વિસ્તારમાં પોલીસે એક મસ્જિદ અને દરગાહ ને સફેદ પડદા વડે ઢાંકી દીધા હતા. આ પગલાનો વિરોધ થયા બાદ હરિદ્વારના પોલીસવડાએ પોલીસ તરફથી આવો કોઈ આદેશ અપાયા હોવાનું ઇનકાર કર્યો હતો. જોકે ઉત્તર પ્રદેશના કેબિનેટ મંત્રી સતપાલ મહારાજે કહ્યું કે આ કોઈ મોટી ઘટના નથી. આપણે ઇમારતો ચણાતી હોય ત્યારે પણ તેને ઢાંકી દઈએ છીએ.
બીજી તરફ મસ્જિદ અને દરગાહના મૌલવીઓએ કહ્યું કે આટલા વર્ષોથી આ જ માર્ગ ઉપરથી કાવડિયા યાત્રા નીકળે છે. આજ સુધી ક્યારેય મસ્જિદ કે દરગાહ ને ઢાંકવામાં નહોતી આવી. મુસ્લિમ સમુદાય તથા કોંગ્રેસ અને સપાના સ્થાનિક નેતાઓના વિરોધ બાદ હરિદ્વાર પ્રશાસને આ આવરણો હટાવી દીધા હતા.