સ્વિસ કંપનીએ બનાવી અનોખી ‘ રામ મંદિર ‘ઘડિયાળ: કિંમત રૂ. 34 લાખ
માત્ર 49 રિસ્ટ વોચ બનાવવામાં આવશે
અયોધ્યાના ભવ્ય રામ મંદિરને કેન્દ્રમાં રાખી એક સ્વીસ કંપનીએ ભારતીય રિટેલર સાથે મળીને ‘ રામ જન્મભૂમિ લિમિટેડ એડિશન ‘ કાંડા ઘડિયાળ લોન્ચ કરી છે. બે ડિઝાઇનમાં બનેલી આ ઘડિયાળની કિંમત રૂપિયા ૩૪ લાખ છે.આ ડિઝાઇનની ફકત 49 ઘડિયાળો જ બનાવવામાં આવશે.
અયોધ્યામાં યોજાયેલા રામ મંદિર અભિષેક સમારોહની યાદમાં બનેલી આ ઘડિયાળ અત્યાર સુધીનો સૌથી અનોખો ટાઇમપીસ બની રહેશે તેવો દાવો ઉત્પાદક કંપનીએ કર્યો છે.
ઘડિયાળમાં નવ વાગ્યાના આંકડા પાસે રામ મંદિર દર્શાવવામાં આવ્યું છે અને છ નંબરના આંકડા પાસે જય શ્રી રામ લખેલ છે. ભગવા કલરના બેલ્ટ સાથેની આ ઘડિયાળમાં ભગવાન શ્રીરામ અને હનુમાનજીના ચિત્રો નજરે પડે છે.ઉત્પાદક કંપનીના જણાવ્યા અનુસાર ઘડિયાળ માટે પસંદ કરેલો રંગ પ્રતીકાત્મક છે જે આધ્યાત્મિકતા, શુદ્ધતા અને પ્રાર્થનાના સારનું પ્રતિનિધિત્વ કરે છે અને હિન્દુત્વના મૂલ્યો દર્શાવે છે. દરેક વિગતમાં ભારતના સાંસ્કૃતિક અને આધ્યાત્મિક સારનો પડઘો પડે છે.અત્યાર સુધીમાં 49 પૈકીના 35 પીસ તૈયાર થઈ ગયા છે.
