ઉપલેટા-ધોરાજી પંથકમાં ભારે વરસાદથી 7 મકાનને નુકસાન
ભીમોરા ગામે સ્મશાનની તો કોલકી ગામે બાલમંદિરની દીવાલ થઈ ધરાશાઈ
રાજકોટ તાલુકાના ઉપલેટા-ધોરાજી પંથકમાં પડેલા ધોધમાર વરસાદને કારણે ગ્રામ્ય વિસ્તારમાં લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. તો બીજી તરફ નુકશાનીના પણ સમાચાર આવ્યા સામે આવ્યા છે. જેમાં ઉપલેટા-ધોરાજી પંથકના ઢાંક, છત્રાસા, ફરેણી અને મેરવદરમાં કાચા મકાનોને નુકસાન થયું હતું.
ઉપલેટા-ધોરાજી પંથકમાં ધોધામર વરસાદ વરસાવતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ભારે વરસાદને કારણે ઉપલેટાના કેટલાક ગામોમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. તો બીજી તરફ કાચા મકાનોને નુકસાન પણ પહોંચ્યું હતું. જિલ્લા પંચાયતના ડિઝાસ્ટર વિભાગમાંથી જાણવા મળતી વિગતો મુજબ ધોરાજી પંથકમાં ભારે વરસાદથી 2 ગામમાં કુલ 4 મકાનમાં નુકશાન થયું હતું. જેમાં ધોરાજીના ફરેણી અને છત્રાસા ગામે 3 કાચા મકાનોમાં અંસત નુકસાન થયું હતું. જ્યારે ઉપલેટાના ઢાંક ગામે પણ 2 અને મેરવદરમાં 1 મકાનને નુકસાની થઈ હોવાનું સામે આવ્યું છે.
બીજી તરફ ભારે વરસાદને ઉપલેટાના કોલકી ગામે બાલમંદિરની દીવાલ તો ભીમોરામાં સ્મસાનની દીવાલ ધરાશાઈ થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. નોંધનીય છે કે, ઉપલેટા-ધોરાજી પંથકમાં વરસેલા સાંબેલાધાર વરસાદને કારણે લોકોને નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે. ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોના ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા હતા તો વળી કેટલીક જગ્યાએ વાહન વ્યવહાર પણ ખોરવાઇ ગયો હોવાનું સામે આવ્યું હતું. મહત્વનું છે કે, કોઈ જગ્યાએથી હજુ સુધી જનહાનીના સમાચાર આવ્યા નથી.