સુપ્રીમ કોર્ટમાં રાજકોટ કઈ બાબતમાં ચમકી ગયું ? શું છે મામલો ?
નીટ યુજી વિવાદ પર સુપ્રીમ કોર્ટમાં 40 થી વધુ અરજીઓ પરની સુનાવણી સોમવારે સીજેઆઈ ચંદ્રચુડની બેંચ સમક્ષ બપોર બાદ સમાપ્ત થઈ હતી. આ ચોથી સુનાવણી હતી.જો કે હજુ પણ આવતી કાલે સુનાવણી આગળ ચાલવાની છે. સોમવારે જોરદાર દલીલો થઈ હતી.અદાલતમાં સોમવારે રાજકોટ કેન્દ્ર ચમકી ગયું હતું અને અરજદારોના વકીલ હુડ્ડાએ કહ્યું હતું કે 700 થી વધુ અંક મેળવનારની સૌથી મોટી સંખ્યા રાજકોટ કેન્દ્રની બહાર આવી છે. આર કે યુનિવર્સિટીનો પણ વકીલે દાખલો આપીને ધારદાર દલીલો કરી હતી. આંકડાકીય માહિતી પણ આપી હતી.
જો કે અનિયમિતતાનો અવકાશ કેટલો વ્યાપક છે? તેની દલીલમાં અરજદારોના એડવોકેટ હુડ્ડાએ હજારીબાગ, ઝજ્જર, સીકર અને ખાસ કરીને રાજકોટના એક કેન્દ્રનું ઉદાહરણ આપ્યું હતું, જ્યાં 12 વિદ્યાર્થીઓએ 700થી વધુ અને 115 વિદ્યાર્થીઓએ 650થી વધુ અંક મેળવ્યા હતા. અહીંના સિટી કો-ઓર્ડિનેટર આ સ્કૂલોના માલિક છે જ્યાં સેન્ટર હતું. આ તમામ ખાનગી શાળાઓ છે. તેમના શિક્ષકો પણ કોટા અને સીકરના કોચિંગ સેન્ટરો સાથે સંકળાયેલા હોવાની દરેક શક્યતા છે. હુડ્ડાએ ગુજરાતના એક વિદ્યાર્થીનું ઉદાહરણ આપ્યું જે 12મામાં નાપાસ થયો પરંતુ તેણે નિટમાં 705 અંક મેળવ્યા.
આર કે યુનિવર્સિટી ચમકી
વકીલે રાજકોટની આર કે યુનિવર્સિટીનો દાખલો ટાંકીને કહ્યું હતું કે અહીં 70 ટકા નીટ ઉમેદવારો ક્વોલિફાઈ થયા છે. આ કેન્દ્રમાં કૂલ 1968 ઉમેદવારો પૈકી 1387 ઉમેદવારો ક્વોલિફાઈ અંક પ્રાપ્ત કરવામાં સફળ રહ્યા છે. 12 સ્ટુડન્ટને 700 થી વધુ અંક મળ્યા છે. 115 ને650, 259 સ્ટુડન્ટને 600, 403 ને 550 માર્ક, 598 સ્ટુડન્ટને 500 માર્કસ મળ્યા છે અને સૌથી વધુ આશ્ચર્ય એ છે કે 1 સ્ટુડન્ટને તો પર્ફેક્ટ 720 માર્ક મળ્યા છે.
રાજકોટ દેશનું હાઈએસ્ટ સ્કોરર
વકીલે એમ પણ કહ્યું હતું કે દેશભરમાં 700 અંક મેળવનાર સૌથી વધુ સંખ્યા રાજકોટ કેન્દ્રની રહી છે. ગુજરાતમાં કૂલ 122 સ્ટુડન્ટને 700 થી વધુ અંક મળ્યા છે અને તેમ 19 રાજકોટના છે.
અદાલતે શું આદેશ કર્યો ?
ચુકાદો આપતાં બેન્ચે કહ્યું હતું કે પરીક્ષામાં ઉમેદવારોએ પ્રશ્ન માટે એક સાચો વિકલ્પ પસંદ કરવાનો હતો. પરીક્ષામાં એક પ્રશ્ન હતો જેમાં બે સાચા વિકલ્પો હતા. એનટીએએ આન્સર કીમાં માત્ર 1 સાચો જવાબ આપવો જોઈએ. 2 સાચા વિકલ્પો આપીને 44 વિદ્યાર્થીઓને બોનસ માર્ક્સ મળ્યા અને 4.2 લાખ ઉમેદવારોને નુકસાન થયું. આ અંગે IIT દિલ્હીના નિષ્ણાતોનો અભિપ્રાય લેવામાં આવે.
અમે IIT દિલ્હીના ડિરેક્ટરને વિનંતી કરીએ છીએ કે તેઓ 3 નિષ્ણાતોની ટીમ બનાવે અને આ વિષય પર રિપોર્ટ સબમિટ કરે. સાચો વિકલ્પ પસંદ કરો અને બપોરે 12 વાગ્યા સુધીમાં રજિસ્ટ્રારને અભિપ્રાય મોકલો.