કમલા હેરિસનું પલડું ભારે: ડેમોક્રેટિક પાર્ટીના અનેક ટોચના નેતાઓએ સમર્થન જાહેર કર્યું
જો બાઈડેન ખસી જતા પ્રમુખ પદની ચૂંટણીમાં નવો વળાંક
કાલથી નવા ઉમેદવારની પસંદગી પ્રક્રિયાનો પ્રારંભ: ઓગસ્ટમાં ડેલીગેટ કન્વેન્શનમા આખરી નિર્ણય લેવાશે
અમેરિકાની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં નવો વળાંક આવ્યો છે. પ્રેસિડેન્ટ જો બાઈડેને ચૂંટણીમાંથી ખસી જવાની જાહેરાત કરી તે પછી પ્રમુખપદ માટે ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર તરીકે વાઇસ પ્રેસિડેન્ટ કમલા હેરીસનું નામ મોખરે આવી ગયું છે. સ્વયં બાઇડેને કમલા હેરીસના નામનું સમર્થન કર્યું તે પછી મોટી સંખ્યામાં ડેમોક્રેટિક પાર્ટીના કોંગ્રેસમેન, સેનેટર્સ અને ગવર્નરો તથા બીલ ક્લિન્ટન અને હિલેરી ક્લિન્ટન જેવા ટોચના નેતાઓએ કમલા હેરીસ ને સમર્થન જાહેર કર્યું હતું.
કમલા હેરિસ પણ સુરત જ સક્રિય થઈ ગયા હતા. તેમણે તેમના નિવાસ્થાનેથી 10 કલાકમાં સો કરતા વધારે કોંગ્રેસમેન, ગવર્નર, લેબર લીડર્સ, અને સિવિલ રાઈટ ઓર્ગેનાઈઝેશન્સના નેતાઓ સાથે વાત કરી હતી. બાદમાં તેમણે પોતાના નામનું સમર્થન કરવા બદલ જો બાઇડેનનો આભાર માન્યો હતો અને ડેમોક્રેટિક પાર્ટી તેમજ દેશને એક રાખવા માટે પોતાનાથી બનતું બધું કરી છુટવાની ખાતરી આપી હતી. તેમણે ડોનાલ્ડ ટ્રમ્પ સામે વિજય મેળવવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
જોકે બાઇડેને સમર્થન આપ્યું એટલે કમલા હેરીસ આપોઆપ ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર નથી બની જતા. એ માટે એક લાંબી પ્રક્રિયામાંથી પસાર થવું પડશે. બુધવારથી નેશનલ ડેમોક્રેટિક કમિટી નવા ઉમેદવાર માટેની પસંદગીની પ્રક્રિયાનો આરંભ કરશે. કમલા હેરિસે ઉમેદવાર તરીકે પસંદ થવા માટે 1976 ડેલિકેટ નું સમર્થન મેળવો પડશે. જો બાઇડેનને 3,896 ડેલિકેટ નું સમર્થન હતું. હવે 19 મી ઓગસ્ટના રોજ શિકાગો ખાતે ડેલીગેટ કન્વેશન મળશે અને તેમાં કમલા હેરીસ 1976 નું સમર્થન મેળવી શકશે તો તેમના નામની સત્તાવાર ઘોષણા કરવામાં આવશે. જો કે જે રીતે અત્યારે તેમને સમર્થન પ્રાપ્ત થઈ રહ્યું છે તે જોતા કમલા હેરિસની ઉમેદવારી નિશ્ચિત બની ગઈ હોય તેવું ચિત્ર ઉપસ્યું છે.
તમામ 50 રાજ્યોના અધ્યક્ષોનું સમર્થન હોલીવુડ સેલિબ્રિટીઝ નો પણ ટેકો
જો બાઈડેને ચૂંટણીમાંથી ખસી જવાની જાહેરાત કરી અને કમલા હેરીસના નામનું સમર્થન કર્યું તે પછી તુરત જ અમેરિકાના તમામ 50 રાજ્યોના ડેમોક્રેટિક પાર્ટીના અધ્યક્ષોની વિડીયો કોન્ફરન્સ થઈ હતી. તેમાં સર્વાનુમતે બધા અધ્યક્ષોએ કમલા હેરીસના નામ ઉપર મંજૂરીની મહોર મારી હતી. બાદમાં પ્રેસિડેન્ટ ઓફ ધ એસોસિએશન ઓફ ડેમોક્રેટિક કમિટીના અધ્યક્ષ કેન મારટીને આ નિર્ણયની જાણ કરી હતી તેમણે કહ્યું કે કમલા હેરીસ કપરી ચૂંટણીઓ જીતવાનો સફળ અનુભવ ધરાવે છે. અમેરિકી પ્રજાને સ્પર્શતી સમસ્યાઓનો ઉકેલ લાવવા માટે સક્ષમ છે.બીજી તરફ હોલીવુડના અનેક લોકપ્રિય પાત્રોએ કમલા હેરિસની સંભવિત ઉમેદવારીને વધાવી હતી. લોકપ્રિય અભિનેત્રી જેમી લુ કોર્ટિસ, ગાયિકા કેટી પેરી, કોમેડિયન જોન સ્ટુઅર્ટ અને ઓસ્કાર વિજેતા એક્ટ્રેસ અને ગાયિકા બાર્બરા સ્ત્રેઇસેન્ડે કમલા હેરીસ ને ટેકો જાહેર કર્યો હતો.
ડેમોક્રેટિક પાર્ટીને માત્ર સાત કલાકમાં વિક્રમ સર્જક ફંડ મળ્યું
જો બાઈડેને ઉમેદવારી પરત ખેંચતા ડેમોક્રેટ્સ અને તેના સમર્થકોમાં જુસ્સા અને વિશ્વાસનો સંચાર થયો છે. અમેરિકાના નાના દાતાઓ ડેમોક્રેટ્સને વિજયી બનાવવા આતુર હોય તે રીતે પાર્ટીને મળતા ફંડમાં અચાનક જ મોટો ઉછાળો આવ્યો હતો. પાર્ટીનું ફંડ મેનેજ કરતી એક્ટ ડબલ્યુ નામની લીબરલ પોલિટિકલ એક્શન કમિટીને માત્ર સાત કલાકમાં જ 46.7 મિલિયન ડોલરનું દાન મળ્યું હતું. એક જ દિવસમાં આટલું મોટું દાન મળ્યું હોય તેવી અમેરિકાના ઇતિહાસની આ પ્રથમ ઘટના છે.
એક અપવાદ ને બાદ કરતા બાકીના બધા હરીફો કમલા ની તરફેણમાં
જો બાઈડેન ના વિકલ્પે જે લોકો પ્રમુખ પદની રેસમાં હોવાનું માનવામાં આવતું હતું એ બધા નેતાઓએ કમલા હેરીસને ટેકો જાહેર કર્યો હતો. પ્રમુખપદ ના ઉમેદવાર તરીકે જેમના નામ ચર્ચામાં હતા તે પેન્સિલવેનિયા ના ગવર્નર જોશ સેવીરો, એમેઝોનાના સેનેટર માર્ક કેલી, નોર્થ કેરોલીનાના ગવર્નર રોય કૂપર, મિશીગન ના ગવર્નર ગ્રેટકેન વિટમેર અને કેલિફોર્નિયા ના ગવર્નર ગેવીન ન્યુસમે કમલા હેરીસને ટેકો જાહેર કરતા તેમનો માર્ગ આસાન બન્યો છે. બીજી તરફ ડેમોક્રેટિક પાર્ટી છોડીને અપક્ષ બનેલા વેસ્ટ વર્જિનિયાના સેનેટર જો માનસીને ફરી ડેમોક્રેટિક પાર્ટીમાં પરત ફરી ચૂંટણીમાં ઝંપલાવવા માગતા હોવાના નિર્દેશ મળી રહ્યા છે.
બાઇડેન કરતા કમલા મજબૂત પણ સર્વેમાં ટ્રમ્પ આગળ
ટ્રમ્પ સામે બાઈડેન અને કમલા હેરીસમાંથી કોણ વધુ સક્ષમ છે તે જાણવા થયેલા પાંચ સર્વેમાંથી ચાર સર્વેમાં લોકોએ કમલા હેરીસને વધુ સક્ષમ ગણાવ્યા હતા.બીજી તરફ કમલા હેરીસની ઉમેદવારીની સંભાવનાઓને ધ્યાનમાં રાખીને 28 જૂનથી 18 જુલાઈ વચ્ચે થયેલા 11 પોલમાંથી નવ પોલમાં ટ્રમ્પ બે થી પાંચ ટકા આગળ હોવાનું તારણ નીકળ્યું હતું. બે પોલમાં કમલા હેરીસના વિજયની ધારણા કરવામાં આવી હતી. આ પોલમાં ડોનાલ્ડ ટ્રમ્પ ઉપર થયેલા ગોળીબાર પછીના પોલ નો પણ સમાવેશ થઈ જાય છે.
ચૂંટણીમાંથી ખસી જનારા બાઇડેન ચોથા પ્રમુખ
અમેરિકાના ઇતિહાસમાં પદ પર બેઠેલા પ્રમુખ ચૂંટણીની રેસમાંથી ખસી ગયા હોય તેવી આ ચોથી ઘટના છે. 1927 માં અમેરિકાના 30 માં પ્રમુખ કાલ્વીન કુલિજ, 1952માં 33 માં પ્રમુખ હેરી એસ. ટ્રુમેન્ટ અને 1968માં 36 માં પ્રમુખ લીનડોન બી. જોન્સન પ્રમુખ પદની ચૂંટણીમાંથી ખસી ગયા હતા. હવે એ યાદીમાં જો બાઇડેન નું નામ ઉમેરાઈ ગયું છે.
ટ્રમ્પે બાઇડેનને અમેરિકાના સૌથી વધુ ખરાબ રાષ્ટ્રપતિ ગણાવ્યા.
ચૂંટણીમાંથી ખસી જવાના બાઈડેનના નિર્ણયની પ્રતિક્રિયા આપતા ડોનાલ્ડ ટ્રમ્પે તેમને અમેરિકાના ઇતિહાસના સૌથી વધુ ખરાબ રાષ્ટ્રપતિ ગણાવ્યા હતા. તેમણે કહ્યું કે બાઈડેનની આસપાસના લોકો, ડોક્ટરો અને મીડિયા પણ જાણતા હતા કે તેઓ રાષ્ટ્રપતિની ચૂંટણી લડવા સક્ષમ નથી. તેમણે ઉમેર્યું કે બાઇડેન જૂઠાણા અને ફેક ન્યૂઝના આધારે રાષ્ટ્રપતિ બન્યા હતા.
કમલા હેરિસને ‘ લાફિંગ કમલા ‘ ગણાવી તેમણે ઠેકડી ઉડાડી હતી. તેમણે કહ્યું કે બાઈડેન કરતાં પણ કમલા હેરીસ ને પરાજિત કરવાનું વધુ સરળ બનશે. કમલા ઉપર આક્રમણ કરતા તેમણે ઉમેર્યું કે બાઈડેનના તમામ નિર્ણયોમાં કમલા તેમની સાથે રહ્યા હતા. છેલ્લા ચાર વર્ષ દરમિયાન તેમણે બાઈડેનને ખુલ્લી મદદ કરી હતી.
