આજે નૂહમાં વ્રજ મંડળ જલાભિષેક યાત્રા; ઈન્ટરનેટ સેવા બંધ
ગયા વર્ષે આ યાત્રા દરમિયાન જ રમખાણો ફાટી નીકળ્યા હતા
હરિયાણામાં આજે સોમવારે વૃજ મંડળ જલાભિષેક યાત્રા યોજાવાની છે અને તેને પગલે સરકાર એલર્ટ થઈ ગઈ હતી. અગમચેતીના પગલાં રૂપે સરકારે રવિવારે સાંજે 6 થી 24 કલાક માટે મોબાઈલ ઈન્ટરનેટ સેવા બંધ કરાવી દીધી હતી. હરિયાણા સરકારના ગૃહ વિભાગ દ્વારા આદેશ અપાયો હતો.
સરકારે બલ્ક એસએમએસ સેવા પણ બંધ કરાવી દીધી હતી. ગયા વર્ષે આ યાત્રા દરમિયાન જ નૂહમાં રમખાણ ફાટી નીકળ્યા હતા. આજે સોમવારે નૂહ જિલ્લામાં નિકળનારી યાત્રા માટે પોલીસે વાહનવ્યવહાર માટે રૂટ પણ ડાયવર્ટ કર્યા હતા. ભારે વાહનો માટે પણ અલગથી વ્યવસ્થા કરાઇ છે.
સમગ્ર જિલ્લામાં રવિવારથી જ લોખંડી જાપ્તો ગોઠવી દેવાયો હતો. શાંતિ બનાવી રાખવા માટે પોલીસે બેઠક પણ કરી હતી. કોઈ જાતની અશાંતિ ઊભી કરનાર સામે આકરા પગલાં લેવાની ચેતવણી પણ અપાઈ હતી. વરિષ્ઠ અધિકારીઓ યાત્રા માટે સતત ખડેપગે રહેશે.
