રાજકોટ મહાપાલિકાનું ઓડિટ શા માટે નથી થઈ રહ્યું ? કોંગ્રેસ
અસ્તિત્વમાં આવી ત્યારથી લઈ આજ સુધી ક્યારે ઓડિટર જનરલ દ્વારા ઓડિટ કરાયું નથી: અધિકારીઓ-પદાધિકારીઓ ભેગા મળી ભ્રષ્ટાચાર આચરી રહ્યાનો આક્ષેપ
મહાપાલિકામાં વ્યાપી ગયેલા ભ્રષ્ટાચારને બહાર લાવવા માટે મથામણ કરી રહેલી કોંગ્રેસે હવે ઓડિટનો મુદ્દો ઉપાડી પદાધિકારીઓ-અધિકારીઓને ઘેરવાનું શરૂ કર્યું છે. કોંગ્રેસ દ્વારા મહાપાલિકાનું ઓડિટ અત્યાર સુધી શા માટે થઈ રહ્યું તેવો અણીયાળો પ્રશ્ન પૂછયો છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસના ઉપપ્રમુખ ગાયત્રીબા વાઘેલાએ કોમ્પટ્રોલર ઓડિટર જનરલ (સીએજી)ને પત્ર લખીને જણાવ્યું છે કે મહાપાલિકા અસ્તિત્વમાં આવી ત્યારથી લઈ આજ સુધી ક્યારેય ઓડિટર જનરલ દ્વારા ઓડિટ કરવામાં આવ્યું નથી ત્યારે આવું શા માટે બન્યું તેની તપાસ થવી જોઈએ. મહાપાલિકા એ લોકલ બોડી સ્વાયત્ત સંસ્થા હોય તેમાં ફરજ બજાવતાં કર્મચારીઓને માત્ર મનપામાં જ ફરજ બજાવવાની હોય છે અને અન્યત્ર તેની બદલી થઈ શકતી નથી જેથી અધિકારીઓ-પદાધિકારીઓએ ભેગા મળીને વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર કર્યા હોવાથી ઓડિટ થવું ખૂબ જ જરૂરી છે.
મનપાના આ જ ભ્રષ્ટાચારને કારણે ગેરકાયદેસર રીતે ધમધમી રહેલા ટીઆરપી ગેઈમ ઝોન અગ્નિકાંડમાં ૨૭ લોકોના મૃત્યુ થયા છે. હવે ઓડિટર જનરલ દ્વારા પોતાની બંધારણીય જવાબદારી સમજીને મનપાનું ઓડિટ કરાવે તે જરૂરી બની જાય છે.