“ચાંદીપુરા”ની ચિંતા: પડધરી-જેતપુરના ગામડાઓમાં દવા છંટકાવની કામગીરી શરૂ
ચાંદીપુરા વાઇરસના લક્ષણ દેખાય તો દર્દીને સિવિલ હોસ્પિટલ રિફર કરવા તબીબોને સૂચના: જિલ્લા પંચાયતનું આરોગ્ય તંત્ર બન્યું સાબદુ
રાજકોટમાં ચાંદીપુરા વાઇરસના શંકાસ્પદ લક્ષણો ધરાવતા પાંચ બાળકોના મોત બાદ આરોગ્ય વિભાગ દોડતું થયું છે. સર્વે સહિતની કામગીરીઓનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. તેવામાં જિલ્લા પંચાયતનુ આરોગ્ય વિભાગ પણ સાબદુ બન્યું છે. જિલ્લામાં આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા ચાંદીપુરા વાઇરસને લઈને દવાઓનો છંટકાવ કરવા સહિતની કામગીરી હાથ ધરવામાં આવી છે.
આરોગ્ય વિભાગમાંથી જાણવા મળતી વિગતો મુજબ પડધરી અને જેતપુર પંથકના બે બાળકોના ચાંદીપુરા વાઇરસના શંકાસ્પદ વાઇરસને કારણે મોત થયા હતા. તેવામાં જેતપુર અને પડધરીના ગામોમાં કાચા મકાનોમાં મેલેથીયોન (જંતુનાશક દવા) પાવડરનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત તાલુકા હેલ્થ ઓફિસરો દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં તબીબી પ્રેક્ટિસ કરતાં તબીબો સાથે વીસી દ્વારા મિટિંગ કરી ચાંદીપુરા વાઇરસના દર્દી જણાય તો તાત્કાલિક પીડીયુ હોસ્પિટલ ખાતે રિફર કરવા સહિતની સૂચનાઓ આપવામાં આવી રહી છે.
આ ઉપરાંત આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં આવેલી શાળાઓ તેમજ આંગણવાડીઓમાં બાળકોને ચાંદીપુરા વાઇરસ અંગે આરોગ્ય શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. જેમાં બાળકોને ચાંદીપુરા વાઇરસના લક્ષણો અને તેનાથી ઉપાયો અંગે સમજણ આપવામાં આવી રહી છે. મહત્વનું છે કે, ચાંદીપુરા વાઇરસને કારણે ચિંતા ફેલાઈ છે ત્યારે આરોગ્ય વિભાગ પણ દોડતું થઈ ગયું છે.