ડોનાલ્ડ ટ્રમ્પ ઉપર ગોળીબાર મોતથી એક ઇંચ નું છેટુ રહી ગયું
રેલીને સંબોધન કરી રહ્યા હતા ત્યારે નજીકની ઇમારત ની છત ઉપરથી આઠ રાઉન્ડ ફાયરિંગ
ગોળી જમણા કાનને છરકો કરતી ગઈ. એક સમર્થકનું મોત બે ઘાયલ: હુમલાખોર ઠાર
અમેરિકાના ભૂતપૂર્વ રાષટ્રપતિ અને આગામી નવેમ્બર માસમાં યોજાનારી ચૂંટણીમાં રીપબલિકન પાર્ટીના પ્રમુખપદના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ ઉપર પેન્સેલવેનિયાના બટલર શહેરમાં ગોળીબાર થતા સમગ્ર વિશ્વ સ્તબ્ધ બની ગયું છે.ટ્રમ્પ એક રેલીને સંબોધન કરી રહ્યા હતા ત્યારે સભા સ્થળની નજીક જ આવેલી એક ઇમારતની છત પરથી હુમલાખોરે કરેલા ગોળીબારમાં ગોળી ટ્રમ્પના જમણા કાનને છરકો કરતી ગઈ હતી.ટ્રમ્પ નીચા નમી ગયા હતા અને વીજળીક ગતિથી સિક્રેટ સર્વિસના એજન્ટો તેમને ઘેરી લીધા હતા.તેમના જમણા કાન અને ગાલ પર લોહી દેખાતું હતું. તેમને સલામત રીતે વાહનમાં બેસાડી હોસ્પિટલે લઈ જવામાં આવ્યા હતા જ્યાં પ્રાથમિક સારવાર આપવા બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.આ હુમલામાં સભામાં ઉપસ્થિત એક શખ્સનું મૃત્યુ થયું હતું અને અન્ય બે ગંભીર રીતે ઘાયલ થયા હતા.સભા સ્થળની તદન નજીક આવેલી એક બીજી ઇમારતની છત પર બંદોબસ્તમાં રહેલા સિક્રેટ સર્વિસનાં જવાનોએ વળતો ગોળીબાર કરી હુમલાખોરને ઠાર માર્યો હતો.આ ઘટના બાદ પ્રેસિડેન્ટ જો બાઇડેને ટ્રમ્પ સાથે ફોન ઉપર વાત કરી હતી અને અમેરિકામાં આ પ્રકારની હિંસા અસ્વીકાર્ય હોવાનું જણાવ્યું હતું.
ડોનાલ્ડ ટ્રમ્પ ની હત્યાના પ્રયાસ ની આ ઘટના શનિવારે સાંજે ચાર વાગ્યે બની હતી. તેમના સમર્થનમાં પેન્સેલવેનિયાના બટલરમાં ઓપન એર બટલર ફાર્મ શો ખાતે રેલી યોજાઇ હતી. ટ્રમ્પ તેમાં એક કલાક મોડા આવ્યા હતા. રેલી સ્થળે મોટી સંખ્યામાં તેમના સમર્થકો ઉપસ્થિત હતા. બાદમાં તેમણે માઈક સંભાળ્યું હતું. તેમણે સંબોધનની શરૂઆત કરતા કહ્યું કે” જુઓ અમેરિકામાં શું થઈ રહ્યું છે..”. તેઓ એટલું બોલ્યા ત્યાં જ ગોળીબારના અવાજો સંભળાવવા લાગ્યા હતા. હુમલાખોરે છોડેલી એક ગોળીએ ટ્રમ્પના કાનને છરકો કરી અને પાછળ ઉભેલા સમર્થકને વીંધી નાખ્યો હતો. ટ્રમ્પ તુરંત જ નીચાં નમી ગયા હતા અને સિક્રેટ સર્વિસના એજન્ટોએ તેમને કોર્ડન કરી અને નજીકના વાહનમાં બેસાડી દીધા હતા. હુમલાખોરે આઠ રાઉન્ડ ફાયરિંગ કરી એનું જાણવા મળે છે.
હુમલાખોર ઠાર: રિપબ્લિકન પાર્ટીનો જ મતદાર હતો: ડોનેશન પણ આપ્યું હતું.
ટ્રમ્પ ઉપર ગોળીબાર થતા જ તેમના મંચની પાછળના ભાગમાં આવેલ એક ગોડાઉન જેવી ઇમારતની છત ઉપર તેનાત સિક્રેટ સર્વિસના સ્નાઇપર્સે વળતો ગોળીબાર કરી હુમલાખોર ને ઠાર માર્યો હતો. હુમલાખોર નું નામ થોમસ મેથ્યુ કૃક્સ હોવાનું અને તેની ઉંમર 20 વર્ષની હોવાનું જાણવા મળ્યું હતું. તે સભાસ્થળ થી 40 માઈલ દૂર આવેલ બેથેલ પાર્ક નામના ગામનો રહેવાસી હતો. માર્યો ગયેલો હુમલાખોર ડોનાલ્ડ ટ્રમ્પની રિપબ્લિક પાર્ટીનો ટેકેદાર હતો અને તેના મતદાર તરીકે તેની નોંધણી થઈ હતી. તેણે રિપબ્લિકન પાર્ટીને 15 ડોલરનું ડોનેશન પણ આપ્યું હતું. એફબીઆઇએ હુમલાના હેતુ અંગે તપાસ ચાલી રહી હોવાનું જણાવ્યું હતું.આ હુમલા પાછળ તે એકલો જ હતો કે તેની પાછળ કોઈનો દોરી સંચાર હતો તે જાણવા માટે તપાસની એજન્સીઓએ ચક્રો ગતિમાન કર્યા હતા.
ઘાયલ ટ્રમ્પએ મુઠ્ઠી ઉંચી કરીને કહ્યું,’ ફાઇટ ફાઇટ ‘
આ હુમલામાં ટ્રમ્પનો ચમત્કારિક બચાવ થયો હતો. મોતથી માત્ર એક ઇંચ નું છેટુ રહી ગયું હતું. તેમના કાનને છરકો કરીને ગયેલી ગોળી જો કપાળમાં વાગી હોત તો તેમને બચાવી ન શકાયા હોત. જો કે આ ઘટના બાદ પણ 78 વર્ષના ટ્રમ્પ સંપૂર્ણપણે સ્વસ્થ રહ્યા હતા. સિક્રેટ સર્વિસના સુરક્ષા કર્મીઓ તેમને કોર્ડન કરી અને લઈ જતા હતા ત્યારે ટ્રમ્પે મુઠી વાળો હાથ ઊંચો કરી અને સમર્થકોને સંબોધીને ‘ ફાઇટ ફાઇટ ‘ ના નારા લગાવ્યા હતા. તેમના નાક અને ચહેરા પર લોહી દેખાતું હતું. બીજી તરફ સભા સ્થળે અંધાધુંધી ફરિયાદ દ્રશ્યો સર્જાયા હતા. અનેક લોકો જમીન ઉપર સૂઈ ગયા હતા. હુમલાખોર ની ગોળીથી ઘાયલ થયેલા લોકોને ઉપસ્થિત સમર્થકો માંથી કેટલાકે પ્રાથમિક સારવાર આપવાની કોશિશ કરી હતી પરંતુ એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મૃત્યુ થઈ ચૂક્યું હતું. ટ્રમ્પના મંચ ની પાછળ જમીન ઉપર લોહીના ડાઘા નજરે પડતા હતા.