મુંબઈ : હીટ એંડ રનના આરોપી મિહિર શાહની ધરપકડ
મિહિરના માતા અને બહેનની પણ પોલીસે અટકાયત કરી
માયાનગરી મુંબઈમાં પ્રકાશમાં આવેલા વર્લી BMW હિટ એન્ડ રન કેસમાં પોલીસને મંગળવારે મોટી સફળતા મળી હતી. મુંબઈ પોલીસે આરોપી શિવસેના નેતાના પુત્ર મિહિર શાહની ધરપકડ કરી હતી. મિહિરની થાણેથી ધરપકડ કરવામાં આવી હતી.
મિહિર શાહની સાથે તેની માતા અને બે બહેનો સહિત અન્ય ઘણા સંબંધીઓની પણ પોલીસે અટકાયત કરી હતી. આરોપ છે કે આ સંબંધીઓએ મિહિર શાહને ઘટનાસ્થળેથી ભાગવામાં મદદ કરી હતી.
રવિવારે મોડી રાત્રે આ ઘટના પ્રકાશમાં આવી હતી. વર્લી વિસ્તારમાં એક ઝડપે આવતી BMW કારે સ્કૂટર પર જઈ રહેલા પતિ-પત્નીને કચડી નાખ્યા હતા. આ અકસ્માતમાં મહિલાનું મોત થયું હતું, જ્યારે સ્કૂટર ચલાવનાર વ્યક્તિ પણ ગંભીર રીતે ઘાયલ થયો હતો. આરોપી મિહિર શાહ રસ્તા પર હાહાકાર મચાવી ભાગી ગયો હતો. 24 વર્ષીય મિહિર મુંબઈને અડીને આવેલા પાલઘર જિલ્લાના શિવસેના (શિંદે જૂથ)ના નેતા રાજેશ શાહનો પુત્ર છે.
આ મામલે રાજકીય આલમમાં પણ ચર્ચા જાગી હતી. કોંગ્રેસ સહિતના નેતાઓએ બનાવની ટીકા કરી હતી અને મુખ્યમંત્રી શિંદેએ પણ નિવેદન આપવું પડ્યું હતું.