અમને લઘુતમ વેતન આપો ! આશાવર્કર બહેનોએ ધોકો પછાડ્યો
2100 રૂપિયા વેતનમાં ગામડેથી તાલુકા મથકના ધક્કા ન પોસાય : સગર્ભા માતાની તપાસનું મહેનતાણું પણ બંધ
રાજકોટ : રાજકોટ સહીત રાજ્યભરની આશા ફેસીલેટર બહેનોને માત્ર 2100 જેટલું જ વેતન મળતું હોય અને આટલા વેતનમાં ગામડેથી તાલુકા મથકો અને વાડી -ખેતર વિસ્તાર ખૂંદવા પડતા હોય લઘુતમ વેતન આપવાની માંગ સાથે આશા બહેનોએ અચોક્કસ મુદતની હડતાળ ઉપર ઉતરી જઈ સોમવારે જિલ્લા કલેકટર રાજકોટને આવેદનપત્ર પાઠવ્યું હતું.
રાજ્યના આરોગ્ય વિભાગ સાથે જોડાયેલ અને ગ્રામ્ય વિસ્તારમાં આરોગ્યને લગતી અનેક મહત્વપૂર્ણ કામગીરી કરતી આશાવર્કસ બહેનોને લઘુતમ વેતનધારા મુજબ મહેનતાણું ન મળતું હોવાથી તા.5 જુલાઈથી અચોક્કસ મુદતની હડતાળનું શસ્ત્ર ઉગામ્યું છે ત્યારે સોમવારે રાજકોટ જિલ્લાના ખીરસરા, નગરપીપળીયા, પારડી, ખોડાપીપર, ખોખડદળ, સરપદળ, ત્રંબા, સણોસરા, ગોંડલ, સરધાર અને ગઢકા સહિતના પીએચસી સેન્ટર હેઠળ કામ કરતા અશાફેસીલીટર બહેનોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી અલગ અલગ માંગણીઓ રજૂ કરી હતી.
વધુમાં આશાવર્કર બહેનોએ જણાવ્યું હતું કે, રાજ્યમાં 45 હજારથી વધુ આશાબહેનો કામ કરી રહી છે ત્યારે જૂન માસથી જોખમી સગર્ભા માતાઓની બે તપાસના મહેનતના પણ સરકારે બંધ કર્યા છે, ખાસ કરીને આશા બહેનોને અંતરિયાળ વાડી વિસ્તારોમાં રસીકરણ સહિતના કામો કરાવ્યા બાદ પગાર આપવામાં આવ્યા નથી ઉપરાંત અનેક ઓનલાઇન કામગીરી સહિતના અનેક કામ કરવા છતાં પૂરતું મહેનતાણું ન મળતા રાજ્યભરમાં આશાબેહનોએ કામગીરી ઠપ્પ કરી હોવાનું જણાવ્યું હતું.