- આગામી અઠવાડીયે દંડનીય કાર્યવાહી તેમજ અન્ય કડક કાર્યવાહી કરવામાં આવે તેવા સંકેત
રાજકોટ : રાજકોટના ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ બાદ રહેણાંક હેતુની જમીન ઉપર કોમર્શિયલ બાંધકામ સબબ મહેસુલ તંત્ર દ્વારા શરતભંગ કાર્યવાહીમાં સુનાવણી બાદ ચુકાદો અનામત રાખવામાં આવ્યો છે ત્યારે આ ગંભીર બનાવમાં જિલ્લા કલેકટર દ્વારા દંડનીય કાર્યવાહી સાથે અન્ય કડક પગલાં ભરવામા આવે તેવા સંકેત મળી રહ્યા છે અને સંભવત આવતા અઠવાડિયે કાર્યવાહી કરવામાં આવે તેમ હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.
ગત તા.25મી મે ના ગોઝારા દિવસે રાજકોટના કાલાવડ રોડ ઉપર સયાજી હોટલ પાછળ આવેલા ટીઆરપી ગેમઝોનમાં અગ્નિકાંડ સર્જાતા 27 નિર્દોષ લોકોના મોત નિપજ્યા હતા. આ ગોઝારો બનાવ જ્યાં બન્યો હતો તે નાનામવા ટીપી સ્કીમ નંબર 20ની રેવન્યુ સરવે નંબર 49ની અંદાજે 15000 ચોરસ મીટર જમીન રહેણાક હેતુ માટેની હોવા છતાં જમીનના માલિક અને અગ્નિકાંડમાં આરોપી એવા અશોકસિંહ જગદીસિંહ જાડેજા, કિરીટસિંહ જગદીશસિંહ જાડેજા અને રઘુરાજસિંહ જગદીશસિંહ જાડેજાએ આ જમીનનો કોમર્શિયલ ઉપયોગ કરતા મહેસુલી તંત્રે શરતભંગ કેસ દાખલ કર્યો હતો જેની સુનાવણી પૂર્ણ થયા બાદ જિલ્લા કલેકટરે ચુકાદો અનામત રાખ્યો છે.
નોંધનીય છે કે, શરતભંગ કેસમાં વધુમાં વધુ 40 પટ્ટના દંડની જ જોગવાઈ છે તે જોતા 15 હજાર ચોરસ મીટર જમીનમાં શરતભંગ સબબ મામૂલી દંડ જ થઇ શકે તેમ હોય આ ગોઝારી દુર્ઘટના મામલે જિલ્લા કલેકટર દ્વારા અગાઉ પણ આ જમીનમાં શરતભંગ થયો હોય રહેણાંક હેતુ માટેની જમીન ઉપર કોમર્શિયલ બાંધકામ ખડકી દેવા મામલે આકરી દંડનીય કાર્યવાહી કરવામાં આવે તેવા સંકેતો મળી રહ્યા છે.