દિલ્હીમાં વરસાદે તોડ્યો 88 વર્ષનો રેકોર્ડ : સ્થળ ત્યાં જળ જેવી સ્થિતિ, અનેક વાહનો પાણીમાં ગરકાવ
લ્યુટિયન ઝોનથી લઈને પૂર્વ દિલ્હી, પશ્ચિમ દિલ્હી સુધીના તમામ વિસ્તારોમાં ભારે પાણી ભરાયા
છેલ્લા કેટલાક દિવસથી પાણીની તીવ્ર કટોકટીનો અનુભવ કરી રહેલા દિલ્હીવાસીઓને મેઘરાજાના રૌદ્ર સ્વરૂપનો અનુભવ થયો છે. દિલ્હીમાં પહેલા વરસાદે જ ભારે ખાનાખરાબી સર્જી છે. જુન મહિનામાં પડેલા વરસાદે ૮૮ વર્ષ જુનો રેકોર્ડ તોડ્યો છે. શહેરના માર્ગો પર વહેતા પાણી અને થંભી ગયેલા વાહનોએ સરકારની વ્યવસ્થાની પોલ ખુલ્લી પાડી છે. આ વરસાદને લીધે ઠેર ઠેર જલભરાવ થયો હતો અને અનેક વાહનો પાણીમાં ગરકાવ થઇ ગયા હતા. દિલ્હીના મંત્રી આતિશીના ઘરમાં પણ પાણી ઘુસી ગયા હતા.
એક દિવસના વરસાદમાં જ સમગ્ર દિલ્હી જળબંબાકાર થઈ ગઈ છે. લ્યુટિયન ઝોનથી લઈને પૂર્વ દિલ્હી, પશ્ચિમ દિલ્હી સુધીના તમામ વિસ્તારોમાં ભારે પાણી ભરાયા છે. આ વરસાદને લીધે દિલ્હીમાં ઘણી જગ્યાએ લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. ભારતીય હવામાન વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર, છેલ્લા 24 કલાકમાં સફદરજંગ બેઝ સ્ટેશન પર 228.1 મીમી વરસાદ નોંધાયો છે.
ભારે વરસાદને કારણે દિલ્હીમાં ઘણી જગ્યાએ પાણી ભરાઈ ગયા હતા, ઘણી રહેણાંક કોલોનીઓમાં પાવર ફેલ થઈ ગયો હતો અને ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ફ્લાઈટ ઓપરેશનને પણ અસર થઈ હતી. મેટ્રોની સ્પીડ પણ ઘણી ધીમી છે.
સ્પાઈસજેટ અને ઈન્ડિગોએ ખરાબ હવામાનને ટાંકીને ફ્લાઈટ્સ માટે એડવાઈઝરી જારી કરી છે. સ્પાઈસજેટે ટ્વિટર પર એક પોસ્ટમાં જાહેરાત કરી હતી કે, “દિલ્હી માં ખરાબ હવામાનને કારણે તમામ પ્રસ્થાન/આગમન અને તેમની પરિણામી ફ્લાઈટ્સ પ્રભાવિત થઈ શકે છે.