બીમાર શ્વાન માટે રક્તદાતા શોધી આપવા રતન તાતાની ઈન્સ્ટાગ્રામ પર હૃદયસ્પર્શી અપીલ
‘મુંબઈ, મારે તમારી મદદની જરૂર છે ‘
ટોચના ઉદ્યોગપતિ અને દાનવીર રતન તાતાએ તેમના દ્વારા સંચાલિત એનિમલ હોસ્પિટલમાં સારવાર રહેલ સાત મહિનાના એક શ્વાન માટે રક્ત દાતા શોધી આપવા મુંબઈગરાઓને ભાવભરી અપીલ કરી હતી.
બીમાર શ્વાનની તસવીર શેર કરી તેમણે સંદેશામાં લખ્યું છે,’ મુંબઈ, મારે તમારી મદદની જરૂર છે ‘. ટાટા ગ્રુપ સંચાલિત સ્મોલ એનિમલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલ આ શ્વાન ભારે તાવ અને એનિમિયાની જીવલેણ બીમારીથી પીડિત હોવાનું તેમણે જણાવ્યું હતું.
તેમની આ પોસ્ટ જોત જોતા માં વાયરલ થઈ ગઈ હતી અને થોડીક કલાકોમાં જ તેને પાંચ લાખ કરતાં વધારે વ્યુ મળ્યા હતા. અનેક લોકોએ આ અપીલ નો પ્રત્યુતર આપ્યો હતો અને રતન તાતાના માનવતાવાદી વલણની ભરપૂર પ્રશંસા કરી હતી.
આ અગાઉ એક ભૂલા પડી ગયેલા ઘાયલ શ્વાન માટે પણ તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જાણકારી આપી, શ્વાનને એનીમલ હોસ્પિટલમાં સારવાર આપી આશરો આપ્યો હતો અને ખાત્રી આપીને શ્વાનને લઈ જવા તેના માલિકને અપીલ કરી હતી.ઉલ્લેખનીય છે કે તાતા ટ્રસ્ટ દ્વારા સંચાલિત અત્યાધુનિક સ્મોલ એનિમલ હોસ્પિટલમાં માત્ર શ્વાન અને બિલાડીની સારવાર કરવામાં આવે છે.