કેન્દ્રના બજેટમાં કયા ક્ષેત્રોને મળી શકે છે લાભ ? જુઓ
- ફૂટવેર, ટેક્સટાઇલ, રમકડાં ક્ષેત્રોને બજેટમાં લાભ મળી શકે
- નાણામંત્રી નિર્મલા કેટલાક ક્ષેત્રોને પીએલઆઈ સ્કીમનો વિશેષ લાભ આપી શકે; મજૂર સંગઠનોએ લેબર કોડ રદ કરવાની માંગણી કરી
વોઇસ ઓફ ડે નવી દિલ્હી
કેન્દ્ર સરકાર બજેટ માટે તૈયારી કરી રહી છે અને નાણામંત્રી નિર્મલા બેઠકોમાં પરોવાયેલા છે અને તે દરમિયાન એવા અહેવાલ બહાર આવ્યા હતા કે આગામી બજેટમાં અનેક સેક્ટરોને રાહત આપવા માટે કામ થઈ રહ્યું છે અને ખાસ કરીને પીએલઆઈ સ્કીમમાં વધુ કેટલાક ક્ષેત્રોનો સમાવેશ થઈ શકે છે. એમને વિશેષ લાભ મળી શકે છે.
રમકડાં, ફૂટવેર અને ટેક્સ્ટાઈલ્સ તેમજ મિલેટ આધારિત ફૂડ ક્ષેત્રોને પણ આ સ્કીમનો લાભ આપવામાં આવે તેવી શક્યતા છે અને આ માટે ચર્ચા થઈ રહી છે. આ ક્ષેત્રો દ્વારા સતત માંગણી થઈ રહી હતી અને બજેટમાં કદાચ આ અંગેની જાહેરાત થાય તેવી સંભાવના છે.
દરમિયાનમાં સોમવારે નિર્મલા સીતારમણ સાથેની પ્રિ-બજેટ મીટિંગમાં મજૂર સંગઠનોએ જૂની પેન્શન સ્કીમને પુનઃસ્થાપિત કરવાની અને 4 લેબર કોડને રદ કરવાની માંગ કરી હતી. જો કે બજેટમાં શું પગલાં આવે છે તેના તરફ સૌની નજર મંડાયેલી છે.
લઘુતમ વેતન માટે માંગણી
ટ્રેડ યુનિયન કોઓર્ડિનેશન સેન્ટરના રાષ્ટ્રીય અધ્યક્ષ કે ઈન્દુપ્રકાશ મેનને જણાવ્યું હતું કે તેમણે લઘુત્તમ વેતન વધારીને રૂ. 26,000 પ્રતિ માસ કરવાની ભલામણ કરી છે. તેમણે કહ્યું, ‘તમામ 4 લેબર કોડને પાછા ખેંચી લેવા જોઈએ અને રદ્દ કરવો જોઈએ. 29 શ્રમ કાયદા પુનઃસ્થાપિત કરવા જોઈએ. લઘુત્તમ વેતન દર મહિને રૂ. 26,000 કરતા ઓછું ન હોવું જોઈએ અને ઈન્ડેક્સેશન ભારતીય શ્રમ પરિષદમાં કરવામાં આવેલી સર્વસંમતિની ભલામણના આધારે હોવું જોઈએ.