મોજથી રહો ! રાજકોટ પાસે અનોખુ ટેક્સ ફ્રી ગામડુ
સીટી ને પણ ટક્કર મારે તેવી સુવિધાઓ ધરાવતું પડધરી તાલુકાનું ખજુરડી -2 ગામ સંપૂર્ણ સાક્ષર
પાક્કા રોડ રસ્તા, 24 કલાક પાણી, ઘેર-ઘેર ગેસ, સ્ટ્રીટલાઈટ, સુંદર શાળા અને વૃક્ષોની વનરાજી સાથે સ્વચ્છતામાં શિરમોર
રાજકોટ : શું તમે સાંભળ્યું છે કે કોઈ પણ ગામ કે, શહેરમાં વેરો વસુલવામાં ન આવતો હોય ? જરા અજુગતું લાગ્યું ને ? દેશના કોઈપણ રાજ્યમાં રહેતા નાગરિકોને કે સરકારી કચેરીઓને પોતાનું માલિકીનું રહેઠાણ હોવા છતાં નિયમ મુજબ ઘરવેરો, પાણીવેરો,સફાઈ વેરો, વીજળી વેરો, ભૂગર્ભ કે ગટર વેરો તેમજ શિક્ષણ ઉપકર ચૂકવવો જ પડે છે, અને હા કદાચ જે તે નાગરિક આવો વેરો ન ચૂકવે તો વ્યાજના વ્યાજ સાથે આ વેરો ગમે ત્યારે ચૂકવવો જ પડે છે. પરંતુ રાજકોટ જિલ્લાના પડધરી તાલુકામાં એક એવું ગામ છે જ્યાં રહેતા નાગરિકોને ઉપરોક્ત પૈકી એક પણ વેરો ચૂકવવો પડતો નથી. પડધરી તાલુકાના ખજુરડી-2 ગામમાં એવી વ્યવસ્થા છે કે, ત્યાં વસવાટ કરતા નાગરિકોનો વેરો એક જ વ્યક્તિ દ્વારા નિસ્વાર્થભાવે ચૂકવી દેવામાં આવે છે, છેલ્લા છ વર્ષથી એક પણ નાગરિકે અહીં વેરો ચુકવ્યો ન હોવા છતાં ગ્રામપંચાયતના ચોપડે 100 ટકા વેરા વસુલાત થાય છે સાથે જ આ વ્યવસ્થા આજીવન કરવામાં આવી છે, તેમ છતાં પંચાયત બોડી પાસે અંદાજે 7.5 લાખ જેટલી બેન્ક બેલેન્સ પણ છે.
ભૌતિક સુવિધાઓ અને સારું શિક્ષણ મેળવવાની લાહ્યમાં આજના સમયમાં દિવસે ને દિવસે ગામડાઓ ભાંગી રહ્યા છે ત્યારે રાજકોટથી 40થી 45 કિલોમીટરના અંતરે જામનગર હાઇવે નજીક પડધરી તાલુકામાં આવેલ ખજુરડી-2 ગામ હજુ પણ અડીખમ ઉભું છે, 1980ના દાયકામાં પડધરી તાલુકામાં આજી-3 ડેમનું નિર્માણ થયા બાદ મૂળ જુના ખજુરડી ગામનું સ્થળાંતરણ થતા ડેમથી બેથી ત્રણ કિલોમીટર દૂર જુના ખજુરડી ગામમાંથી બે ગામોનું નવસર્જન થયું જેમાં ખજુરડી-1 અને ખજુરડી-2 ગામના પાયા નંખાયા. જો કે, નવા બનેલા બે ગામ પૈકી ખજુરડી-2 ગામમાં ગ્રામજનોની એકતા અને સંપને કારણે આજે સમગ્ર રાજકોટ જિલ્લામાં જ નહીં બલ્કે ગુજરાત કે સમગ્ર દેશમાં ન હોય તેવું શૂન્ય ટેક્સ ગામડું બન્યું છે.
ખજુરડી-2 ગામમાં હાલમાં 700થી વધુ લોકોની વસ્તી છે અને અહીં 120 જેટલા મકાન આવેલા છે, ગામની તમામ શેરીઓમાં પાક્કા સિમેન્ટ રોડ અને બ્લોક ફિટ કરવામાં આવેલા છે, ગામમાં પ્રવેશતા જ સમસ્ત ગામ માટે બનાવવામાં આવેલ સમાજ વાડી આવે છે, સમાજ વાડીએ પહોંચતા જ ગામના નિયમ પાલનનો નમૂનો મળે છે. સમાજ વાડી સામે એક બોર્ડ મુકવામાં આવ્યું છે જેમાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે, તમારા વાહનો કોઈને નડતર રૂપ ન થાય તે રીતે સામે પાર્કિંગમાં રાખો. 700 લોકોની વસ્તી ધરાવતા ગામમાં તમામ લોકો શિક્ષિત છે, અહીં વસવાટ કરતા એક પણ વ્યક્તિ અંગુઠાછાપ નથી એટલે કે, તમામ નાગરિકો પોતાની ઓળખ માટે સહી જ કરે છે.
કોઈપણ ગામની પંચાયતનો મુખ્ય આવકનો સ્ત્રોત ગ્રામપંચાયત દ્વારા વસુલવામાં આવતો વેરો જ હોય છે પરંતુ આ અનોખા ગામમાં એકપણ વ્યક્તિ પાસેથી ઘરવેરો, પાણીવેરો,સફાઈ વેરો, વીજળી વેરો, ભૂગર્ભ કે ગટર વેરો તેમજ શિક્ષણ ઉપકર વસુલવામાં આવતો નથી. છતાં પણ પંચાયતના ચોપડે ગામમાં 100 ટકા વેરા વસુલાત થાય છે ! આ કેવી રીતે શક્ય બને ? ગામના તરવરિયા યુવાન મહાવીરસિંહ નાનભા જાડેજાના પ્રયાસોથી જ ખજુરડી-2 ગામમાં વેરા વસુલાત થતી નથી, એક જ વ્યક્તિ દ્વારા તમામ જ્ઞાતિ સમાજના લોકોનો વેરો ચૂકવી દેવામાં આવે છે, છેલ્લા છથી સાત વર્ષથી શરૂ થયેલી આ નવી પહેલ આજીવન અમલમાં મુકવામાં આવી છે. ખજુરડી-2 ગામ સ્ત્રી સશક્તીકરણમાં પણ અગ્રેસર છે હાલમાં ગામના સરપંચ પદે નયનાબેન જયેશભાઇ ગૌસ્વામી સેવા આપી રહ્યા છે. ગામના અગ્રણી મહાવીરસિંહ જાડેજાએ ગામની સુવિધાઓ માટે પૈસા ક્યાંથી આવે છે તે અંગેના સવાલમાં જણાવ્યું હતું કે, અમે ભ્રષ્ટાચાર કરતા નથી અને કરવા દેતા પણ નથી જેથી ગામના વિકાસ માટે આવતી તમામ સરકારી ગ્રાન્ટનો 100એ 100 ટકા ગામ માટે જ વપરાશ થાય છે અને પારદર્શિતા જ અમારા ગામની ઓળખ છે.
બાળકો માટે બગીચા સાથેની સરકારી શાળા
ખજુરડી-2 ગામમાં સાક્ષરતા દર 100 ટકા છે, ગામના પાદરમાં જ ઘેઘુર વૃક્ષો અને હીંચકા-લપસીયા સાથેની સુંદર શાળા આવેલી છે જ્યાં હાલમાં 65 બાળકો ધોરણ-1થી 5 સુધીનો અભ્યાસ કરી રહ્યા છે, શાળામાં 65 બાળકો વચ્ચે ત્રણ શિક્ષકોની ટિમ છે જેમાં રીનાબેન સવેરા હાલમાં આચાર્ય તરીકે ફરજ બજાવી રહ્યા છે અને તમામ બાળકો નિયમિત શાળાએ આવે તે માટે પણ આદર્શ વ્યવસ્થા ગોઠવવમાં આવી છે.
સમૃદ્ધ ખેતીથી રોજી-રોટીમાં સ્વાવલંબીતા
આજી-3 ડેમના કાંઠે આવેલ ખજુરડી -2 ગામમાં વસવાટ કરતા મોટાભાગના કુટુંબો સમૃદ્ધ ખેતી ધરાવે છે, પાણીના સાજા તળ અને સિંચાઇની સુવિધાને કારણે મોટાભાગના ગ્રામજનોને રોજીરોટી માટે બહાર જવું પડતું નથી સાથે જ ગામમાં જીરો ક્રાઇમ રેટ હોવાનું અને એકતાને કારણે નાના મોટા ઝઘડા પણ ન થતા હોવાનું ગામના રહેવાસી યોગેશભાઈ દુધરેજીયા જણાવી રહ્યા છે.
છેલ્લા 30 વર્ષથી ગામમાં ચૂંટણી નથી થઇ : મહાવીરસિંહ જાડેજા
નાના એવા ખજુરડી-2 ગામને સંપૂર્ણ સુવિધાયુક્ત બનાવવામાં ગામના યુવા અને તરવરિયા આગેવાન મહાવીરસિંહ નાનભા જાડેજાનો સિંહ ફાળો છે, 700 લોકોની વસ્તીમાં મુખ્યત્વે પાટીદાર સમાજની છે અને ક્ષત્રિય સમાજના માત્ર પાંચેક ઘર હોવા છતાં મહાવીરસિંહ ઉર્ફે માવુભાનો પડયો બોલ ગ્રામજનો જીલે છે, પક્ષાપક્ષીથી દૂર રહી માત્રને માત્ર ગામના જ વિકાસના મંત્ર સાથે દાયકાઓથી ગ્રામજનો માટે અલગ-અલગ યોજનાના લાભ ઉપરાંત 30 વર્ષથી ગામની એકતાને કારણે ગામમાં ચૂંટણી જ ન થતી હોય સમરસ ગ્રાન્ટથી ગામનો વિકાસ કર્યો હોવાનું જણાવી મહાવીરસિંહ ઉમેરે છે કે હાલમાં ગામના તમામ ઘરનો પાણીવેરો, ઘરવેરો સહિતના તમામ વેરાઓ તેઓ જ ચૂકવે છે અને આજીવન તેઓ આ વેરો ચૂકવવા સંકલ્પ કર્યો હોવાનું જણાવી હવે ગામમાં ખૂટતી સુવિધામાં એક આરોગ્ય કેન્દ્રની સુવિધા શરૂ કરાવવાની સાથે હયાત સમાજ વાડીમાં બીજો માળ ઉમેરવાનું કામ બાકી હોવાનું જણાવી રહ્યા છે.
ગામની વેરા વસુલાત 100 ટકા : તલાટી મંત્રી
ખજુરડી ગામના તલાટી કમ મંત્રી સત્યરાજસિંહ ડાભી જણાવે છે કે, અનેક ગામોમાં ગ્રામ પંચાયતોમાં વેરા વસુલાત કાયમ માટે બાકી રહેતી હોય છે જયારે અમારા ગામમાં 100 ટકા વેરા વસુલાતની સાથે હાલમાં ગ્રામ પંચાયત પાસે 7,50,000ની સિલક ઉપલબ્ધ છે અને 700 નાગરિકોની વસ્તી માટે આંગણવાડી, શાળા બાદ હવે આરોગ્યકેન્દ્રની સુવિધા પણ ટૂંક સમયમાં શરૂ થનાર હોવાનું જણાવ્યું હતું.