અમરેલી, ભાવનગર, પોરબંદર, બોટાદ, કચ્છ પંથકમાં વરસાદ
કાગડોળે વરસાદની રાહ જોતાં ધરતીપુત્રોમાં ખુશીની લહેર: અસહ્ય બફારામાંથી લોકોને મળી રાહત:
ગુજરાતના અનેક જિલ્લાઓ સાથો સાથ સૌરાષ્ટ્રમાં પણ રવિવારે વરસાદી માહોલ જામ્યો હતો અને સૌરાષ્ટ્રના અમરેલી, પોરબંદર, બોટાદ, કચ્છ, જુનાગઢ, ગીર-સોમનાથ અને ભાવનગર જિલ્લામાં પણ વરસાદ ખાબક્યો હતો. અસહ્ય બફરા બાદ વરસાદ વરસતા લોકોને ગરમીમાં રાહત મળી હતી તો બીજી તરફ વરસાદની કાગડોળે રાહ જોતાં ધરતીપુત્રોમાં ખુશીની લહેર છવાઈ ગઈ હતી.
અમરેલીમાં રવિવારે સવારથી જ વરસાદી માહોલ જામ્યો હતો. ક્યાંક ધીમીધારે તો ક્યાંક ભારે વરસાદ ખાબક્યો હતો. રાજુલાના કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. જેમાં ડોળિયા, માંડલ, મોરંગી, ડુંગર, આસરાણા, દેવકા, કુંભારિયા સહિતના ગામોમાં વરસાદ વરસ્યો હતો. જ્યારે ખાંભાના ભૂંડણી, ત્રાકૂડા, ડેડાણ, ભાવરડી, જાફરાબાદ તાલુકાના વડલી, ભાડા, ટિંબી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ થયો હતો. અમરેલી તાલુકાના ગોખરવાળા, દેવળીયા, ચક્કરગઢમાં ધોધમાર વરસાદ પડતાં બજારોમાં પાણી વહેતા થયા હતા. લાઠી, સાવરકુંડલા શહેરમાં પણ ધોધામર વરસાદી ઝાપટું વરસી જતાં લોકોને અસહ્ય બફારમાંથી રાહત મળી હતી.
ભાવનગરમાં પણ સતત બીજા દિવસે કેટલાક વિસ્તારોમાં પવનના સુસવાટા વચ્ચે સાથે વરસાદ વરસ્યો હતો. જેમાં મહુવા, પાલીતાણા અને જેસર સહિતના તાલુકાઓમાં વરસાદ પડ્યો હતો. જ્યારે બોટાદ શહેર અને જિલ્લામાં પણ વરસાદી માહોલ જામ્યો હતો. શહેરમાં પવનના સુસવાટા સાથે વરસાદ વરસ્યો હતો. ધોધમાર વરસાદથી રસ્તા પણ પાણી ભરાયા હતા. તો બીજી તરફ પોરબંદર જિલ્લામાં મેઘરાજાએ પધરામણી કરતાં ખેડૂતોમાં ખુશીની લાગણી ફેલાઈ ગઈ હતી. બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને બગવદર, ખાંભોર, રામવાવ, કાટવાણા, કુણવદર સહિતના ગામોમાં વરસાદ ખાબક્યો હતો. એક સપ્તાહ પહેલા વરસાદનું આગમન થતાં વાવણી કરી ચૂકેલા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો હતો. આ ઉપરાંત કચ્છ, જુનાગઢ, ગીર-સોમનાથ પંથકમાં પણ બપોર બાદ વરસાદ વરસ્યો હતો.
